અમદાવાદ : રાજ્યના દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડી રહ્યો છે.ત્યારે હજુ અનેક વિસ્તારોમાં ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે.અનેક વિસ્તારોમાં હજુ સુધી વાવણી થઈ શકી નથી. બીજી તરફ હવામાન વિભાગે લોકોને રાહત આપતા સમાચાર આપ્યા છે.આજે હવામાન વિભાગે આગાહી કરી છે કે 30 જૂનથી ત્રીજી જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ રહેશે.બીજી તરફ રથયાત્રાના દિવસે પણ અમદાવાદમાં વરસાદની વકીને કારણે રથયાત્રામાં રથ ભીંજાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.એવી લોક વાયકા છે કે,જો રથયાત્રામાં રથ ભીંજાય તો આખુંય વર્ષ સારું જાય.હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ પત્રકારોને જણાવ્યું હતું કે,“રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદ રહેશે.ખાસ કરીને 30 અને 1 જુલાઈના રોજ છૂટો-છવાયો વરસાદ પડવાની સંભાવના છે.
30 જૂનના રોજ સૌરાષ્ટ્ર કચ્છમાં પણ અમુક જગ્યાએ વરસાદ પડશે.આ વિસ્તારોમાં પહેલી જુલાઈથી વરસાદ વધવાની સંભાવના.ગુજરાત રિઝનમાં બીજી અને ત્રીજી જુલાઈના રોજ વરસાદ વધવાની સંભાવના રહેલી છે.ગુજરાત રિઝનમાં 30 જૂનથી ત્રીજી જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે.ખાસ કરી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે.જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતના વલસાડ,નવસારી,સુરત,દમણ,દાદરા નગર હવેલીમાં આગામી ચાર દિવસ ભારે વરસાદ પડી શકે છે.ઉત્તર ગુજરાતના અરવલ્લી,બનાસકાંઠા,સાબરકાંઠામાં ભારે વરસાદની સંભાવના છે.” હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ ગુજરાતમાં વરસાદ લાવતી કોઈ સિસ્ટમ સક્રિય નથી પરંતુ આગામી બે દિવસમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે.આ બંને શહેરમાં ભારે વરસાદની સંભાવના ઓછી છે.