કોરોનાના કપરાકાળ બાદ હવે ગુજરાતની માથે જળસંકટની આફત આવી છે. ઓગસ્ટ મહિનો પૂરો થવા આવ્યો છતાં રાજ્યમાં 65 ટકા ઓછા વરસાદને કારણે દુષ્કાળના ભણકારા વાગવા લાગ્યા છે.અત્યાર સુધી 41.75% વરસાદ થયો છે.રાજ્યના 98 ડેમમાં હાલ 25 ટકા પાણી છે.જ્યારે નર્મદા ડેમમાં ક્ષમતા કરતાં 20 મીટર ઓછું પાણી છે. 22 તાલુકામાં 5 ઇંચથી ઓછો વરસાદ છે તો સરેરાશથી 20 ઇંચ વધુ વરસાદ હોય એવા માત્ર 36 તાલુકા છે.કુલ 19 જિલ્લામાં વરસાદની ઘટ 50 ટકાથી વધુ છે.
નર્મદા યોજનામાં વર્ષે રૂ. 7 હજાર કરોડનો ખર્ચ થાય છે છતાં લોકોને પાણીની સમસ્યાઓ સામે લડવું પડે એવી સ્થિતિ છે.બનાસકાંઠા જિલ્લાના બે તાલુકા- લાખણી અને થરાદમાં બે ઇંચથી પણ ઓછો વરસાદ છે.રાજ્યમાં તમામ 33 જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ છે. 19 જિલ્લામાં 50%થી પણ વધારે વરસાદની ઘટ છે.ગાંધીનગરમાં 67%, અરવલ્લીમાં 67%, સુરેન્દ્રનગરમાં 64%,વડોદરામાં-મહીસાગરમાં સરેરાશથી 57% વરસાદની ઘટ છે.ગુજરાતના 207 જળાશયમાંથી માત્ર 3 જળાશય 100 ટકા ભરેલાં છે.
હાલમાં કુલ જળસંગ્રહ 48.89% છે.સરદાર સરોવર ડેમમાં જળસંગ્રહ 45.59% છે.ઉત્તર ગુજરાતમાં 23.86%, મધ્યમાં 42.40%, દક્ષિણમાં 63.48%, કચ્છમાં 21.09%, સૌરાષ્ટ્રમાં 40.30% પાણીનો સંગ્રહ છે.માત્ર 20 ડેમમાં જ 70%થી વધુ પાણી છે. 98 જળાશયમાં 25%થી પણ ઓછું પાણી છે.બનાસકાંઠા જિલ્લાનાં જળાશયમાં 6.51%, ખેડા જિલ્લામાં 9.12%, દેવભૂમિ દ્વારકામાં 12%, સાબરકાંઠામાં 15% જ જળસંગ્રહ છે.
આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદનાં કોઈ એંધાણ નથી
આગામી 7 દિવસ સુધી રાજ્યમાં સારો વરસાદ થાય એવાં કોઈ એંધાણ નથી. હવામાન ખાતાની આગાહી મુજબ, આવનારા 7 દિવસમાં રાજ્યમાં અમુક જગ્યાએ સામાન્ય છૂટોછવાયો વરસાદ થઇ શકે છે.ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 25 ઑગસ્ટ સુધી રાજ્યમાં 107% વરસાદ થયો હતો, જેની અત્યારે રાજ્યમાં સરેરાશ વરસાદની સામે 47%ની ઘટ છે.
આ રીતે જાણો અછતની કોને કેવી અસરો થશે?
પીવાનું પાણી – આયોજન હશે તો પીવાના પાણીની ગંભીર તંગી પડે, બાયપાસ ટનલ ખૂલી શકે છે.સરદાર સરોવર સહિત તમામ ડેમમાં આ વર્ષે ઓછું પાણી છે, પણ ગણતરી કરીએ તો રાજ્યમાં પીવાના પાણી માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવાશે તો અમુક વિસ્તારોને છોડીને બહુ ગંભીર તકલીફ નહીં પડે.જાણકારોના કહેવા પ્રમાણે, આગામી વર્ષ ચૂંટણીનું હોવાથી સરદાર સરોવર બાયપાસ ટનલ ખોલીને પણ પાણી આપવામાં આવશે.
સિંચાઇનું પાણી – શિયાળુ અને ઉનાળુ સીઝન ખેડૂતો માટે ચિંતાજનક, આ વર્ષે 93% વાવેતર
ખેડૂતો માટે આગામી શિયાળુ અને ઉનાળુ સીઝન ચિંતાજનક હશે. આ વર્ષે 80 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે, જે છેલ્લાં 3 વર્ષના સરેરાશ વાવેતરની સામે 93 ટકા જેટલું છે. ઓછા વરસાદને કારણે ઉત્પાદનમાં સીધી અસર થશે.
સરકારને – રાજ્યની આગામી ચૂંટણીમાં પાણી જ બની શકે છે મહત્ત્વનો મુદ્દો, સરકારની પરીક્ષા થશે
કોરોનાની અસરો હજુ પણ સરકારને ધ્રુજાવી રહી છે.વિવિધ જાહેરાતો દ્વારા સરકાર કોરોનાની નકારાત્મક બાબતોને લોકોના મનમાંથી ભૂંસવા માગે છે.આ પરિસ્થિતિમાં દુષ્કાળની સ્થિતિએ સરકારની ચિંતા વધારી દીધી છે.આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી છે ત્યારે પાણી ચૂંટણીનો મુદ્દો બની શકે છે.
સરદાર સરોવર ડેમમાં ગત વર્ષ કરતાં 78% ઓછું લાઇવ સ્ટોરેજ
સરદાર સરોવર ડેમમાં જળસંગ્રહ 45.59% છે.સરદાર સરોવરની સપાટી 115.76 મીટર છે. સરદાર સરોવરમાં 110.64 મીટરની સપાટી સુધી પાણીનો ઉપયોગ થઇ શકે છે, એટલે કે હવે નર્મદા ડેમમાં માત્ર 5 મીટર જ પાણીનો જથ્થો ઉપયોગમાં લઇ શકાય એવો છે. ગત વર્ષે આ સમયે ડેમની સપાટી 128.55 મીટર હતી.


