રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ બુધવારે સાંજે જિલ્લા એસ.પી. સાથે વીડિયો કોન્ફરન્સ કરતાં પહેલાં અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકડાઉનના અમલ માટે કાયમી ધોરણે ફરજ બજાવતી ૩૮ SRPકંપનીઓ ઉપરાંત ૨૬ SRPકંપનીઓ તેમજ રેપિડ એક્શન ફોર્સની ૨ કંપનીઓ ડિપ્લોય કરી છે. લોકડાઉન અમલ લોકો સ્વેચ્છાએ ઘરમાં રહી કરે તે આવકારદાયક પરિસ્થિતિ છે, તેમ છતાં જો કડકાઈ કરવી પડે તો પોલીસતંત્ર તે પણ કરી રહ્યું છે.
શહેરમાં કાયમી ધોરણે ૨૦ SRP કંપની હતી તેમાં વધુ ૪ કંપનીઓ અને ૧ RAF કંપની ઉતારી છે. ડીજીપીએ જણાવ્યું હતું કે, સિનિયર પોલીસ અધિકારીઓ ફિલ્ડમાં રાઉન્ડ લઇ રહ્યાં છે તેમજ દરેક હોમ ક્વોરન્ટાઇન વ્યક્તિના ઘેર જઈ પોલીસ તપાસ કરી રહી છે. શહેરોમાં અને હાઈવે ઉપર ઠેર ઠેર બેરીકેડ્સ મૂકી ટ્રાફિક બંધ કરાયો છે, છતાં આવશ્યક સેવાઓની ચેઇન ના તૂટે તે માટે કરફ્યૂ પાસ-પરમિટ અપાઈ રહ્યાં છે.
લોકડાઉન-ક્વોરન્ટાઇન ભંગમાં વધુ ૨૮૦ ગુના નોંધાયા
રાજ્યમાં અત્યાર સુધી લોકડાઉન ભંગ બદલ કુલ ૪૯૦ ગુનાઓ તથા ક્વારન્ટાઇનના ભંગ બદલ કુલ ૨૩૬ ગુનાઓ દાખલ કરાયા છે, જ્યારે કુલ ૮૯૭ આરોપીઓની અટકાયત કરી છે. બુધવાર બપોર સુધી જાહેરનામાના ભંગના ૧૯૧ ગુના, ક્વોરન્ટાઇન ભંગના ૮૯ ગુના તેમજ ૩૫૩ની અટકના આંકડા સામેલ છે.