ગાંધીનગર : ૧૧મી,જુલાઈના સોમવારે, ગુજરાતમાં વરસાદનું જોર પ્રમાણમાં ઘટ્યું છે.જોકે,રાજ્યનું વહીવટી તંત્ર હજુ પણ સ્ટેન્ડ ટૂ છે અને નાગરિકોના જાનમાલની સુરક્ષા અને સલામતી માટે સજ્જ છે. રાજ્યના આઠ જિલ્લાઓમાં રેડ એલર્ટ હતું પણ હવે,તે પૈકી ત્રણ જિલ્લાઓ ભરૂચ,છોટાઉદેપુર અને નર્મદા રેડ એલર્ટ ઝોનમાંથી બહાર આવી ગયા છે.જ્યારે હજુ પણ પાંચ જિલ્લાઓ સુરત,તાપી,નવસારી,ડાંગ અને વલસાડ જિલ્લાઓ રેડ એલર્ટ પર છે.સમગ્ર વહીવટી તંત્ર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે ત્યારે નાગરિકો પણ સંપૂર્ણ કાળજી રાખે તે ઇચ્છનીય છે.
મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ, મંગળવારે રાજ્યમાં પડી રહેલા વરસાદની પરિસ્થિતિ અંગે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર,ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી.તે દરમ્યાન તેમણે કહ્યું હતું કે,રસ્તા પરથી વહેતા પાણીના વહેણને ઓળંગવાનો પ્રયાસ કરી બિનજરૂરી જોખમ ખેડવું નહીં.રાજ્યમાં અત્યાર સુધીમાં ૬૯ માનવ મૃત્યુ નોંધાયા છે.જેમાં સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાથી થયા છે.એક પણ મૃત્યુ વહીવટી તંત્રના વાંક કે નિષ્કાળજીના પરિણામે થયા હોવાનું ધ્યાને આવ્યું નથી.રેસ્ક્યૂ ઓપરેશનની કામગીરીમાં પણ નાગરિકોનો પૂરતો સહયોગ મળી રહ્યો છે.
મંત્રીએ કહ્યું હતું કે,રાજ્યમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં ૧૮ એનડીઆરએફની ટીમ અને ૧૮ એસડીઆરએફની પ્લાટુન ડીપ્લોય કરવામાં આવી છે,જ્યારે બે ટીમો રિઝર્વ રાખવામાં આવી છે.એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો દ્વારા નર્મદા જિલ્લામાં કરાયેલું સફળ રેસ્ક્યૂ ઓપરેશન અભિનંદનને પાત્ર છે.સોમવારે,નર્મદા જિલ્લાના કરજણ નદીના પટ પર રાજપીપળા સ્મશાન ઘાટ નજીક એક સાથે ૨૧ વ્યક્તિઓ પાણીના વહેણમાં ફસાયા હતા અને રેસ્ક્યૂ માટે હેલિકોપ્ટરની માંગણી કરાઈ હતી.જોકે,વહીવટી તંત્રએ સમય સૂચકતા દાખવીને એનડીઆરએફ અને એસટીઆરએફની ટીમોની મદદ લઈને ફસાયેલા તમામ લોકોને શૌર્ય અને વીરતા દાખવીને બચાવી લેવાયા છે.