ગાંધીનગર : રાજ્યમાં એક સપ્તાહમાં સાર્વત્રિક મેઘ મહેર થતા ખરીફ સિઝન માટે ૫૧.૪૦ ટકા વાવેતર થયું છે.૪ જુલાઇએ રાજ્યમાં વાવેતરનું પ્રમાણ ૩૪.૯૯ ટકા હતું તે ૧૧ જુલાઇના કૃષિ વિભાગના છેલ્લા આંકડા મુજબ ૫૧.૪૦ ટકા થયું છે.૪ જુલાઇએ રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ ૧૬ ટકા હતો જે ગત સપ્તાહે સતત મેઘ મહેર બાદ સરેરાશ વરસાદ ૪૨.૭૨ ટકા થવા પામતા તેની હકારાત્મક અસર સીધી વાવેતર ઉપર નોંધાવા પામી છે.જો કે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન થયેલા વાવેતરની સરખામણીમાં હજુ પણ વાવેતર ૨,૪૩,૨૩૦ હેક્ટરમાં ઓછું છે પરંતુ વરસાદના અભાવે વાવેતર અટકી જવા પામ્યું હોવાની સ્થિતિ ગત સપ્તાહે ઊભી થવા હતી તેના કારણે વાવેતર ઓછું થશે તેવી ભીતિ સર્જાઇ હતી.જો કે જે રીતે મેઘરાજાએ મહેર કરી તેના કારણે વાવેતરમાં ૧૬ ટકાનો વધારો થયો છે.
વરસાદના કારણે ખુશખુશાલ ખેડૂત વર્ગ દ્વારા મોટાપાયે વાવણી શરૂ કરી દેવાઈ છે.કૃષિ વિભાગના સત્તાવાર આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ મુજબ ૮૬.૩૧ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થાય છે.જે ગત વર્ષે ૧૧ જુલાઇના સમયગાળામાં ૪૬,૮૦,૨૧૦ હેકટર વિસ્તારમાં હતું જે હાલ ૪૪,૩૬,૯૮૦ હેક્ટર વિસ્તારમાં થયું છે.જો કે કૃષિ તજજ્ઞો માટે ચિંતાનો વિષય ધાન્ય પાકમાં ઓછા વાવેતરનો છે.જેમાં ડાંગરમાં ગત વર્ષે ૧.૧૦ લાખ હેક્ટર સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૭૯૨૦૬ હેક્ટર,બાજરીમાં ૭૫૩૪૧ હેકટર સામે આ વર્ષે ૬૬૨૧૮ હેકટર,જુવારમાં ૭૮૦૪ હેક્ટર સામે ચાલુ વર્ષે ૪૩૮૯ હેક્ટર અને મકાઇમાં ગત વર્ષે ૧.૬૪ લાખ હેક્ટર સામે ચાલુ વર્ષે ૧.૨૦ લાખ હેક્ટરમાં જ વાવેતર થયું છે.
ખરીફ સિઝનમાં ધાન્ય પાકનું વાવેતર ઓછુ થયું છે અને કુલ ૨૦ ટકા જેટલું જ વાવેતર થયું છે.ડાંગરમાં ૯.૪૮ ટકા,બાજરીમાં ૩૮ ટકા,જુવારમાં ૧૪ ટકા,મકાઇમાં ૪૧ ટકા વાવેતર થયું છે.હજુ વરસાદ પડે તેમ ડાંગર સહિતના પાકમાં વાવેતર વધશે તેનો અંદાજ મૂકાઇ રહ્યો છે.જો કે મગફળીમાં ૭૭ ટકા અને સોયાબીન તથા કપાસમાં ૮૫ ટકા જેટલું વાવેતર થવા પામ્યું છે.