ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યામાં વિતેલા બે દિવસના ઘટાડા પછી એક જ દિવસમાં પચાસ ટકાના ઉછાળા સાથે નવા ૧૬૫ કેસ નોંધાયા છે.૧ માર્ચ પછી પહેલી વખત આટલી મોટી સંખ્યામાં દૈનિક કેસ નોંધાયા છે.આ તરફ ૨૨ મે પછી પહેલી વખત એક દર્દી વેન્ટિલેટર સપોર્ટ ઉપર મુકવો પડ્યો છે.રાજ્યમાં સૌથી વધુ ૯૨ કેસ અમદાવાદમાં નોંધાયા છે.
રાજ્યમાં વિતેલા ચોવીસ કલાકમાં નવા ૧૬૫ કેસ નોંધાયા છે એમાં સૌથી વધુ કેસ એકલા અમદાવાદ શહેરમાંથી ૯૦ તથા ગ્રામ્યમાંથી વધુ ૨ મળી કુલ ૯૨ કેસ નોંધાયા છે.આ સિવાય વડોદરામાંથી નવા ૨૨ કેસમાં ૧૯ કેસ મહાનગરના છે.રાજ્યના છ મહાનગરો અને એના આસપાસના વિસ્તારોમાં સંક્રમણ વધારે જોવા મળી રહ્યું છે. સુરતમાંથી વધુ ૧૨,ગાંધીનગરમાંથી ૧૦,ભાવનગર ૬ અને જામનગરમાંથી કુલ ૫ કેસ નવા ઉમેરાયા છે.આ સિવાય જિલ્લાઓમાં જોઇએ તો મહેસાણા,નવસારી અને વલસાડામાંથી ૩-૩,આણંદ,અમરેલી,ભરૂચ,કચ્છમાંથી ૨-૨,બનાસકાંઠામાંથી ૧ નવો કેસ ઉમેરાયો છે.આમ,૧ માર્ચ પછી દૈનિક કેસમાં આટલો મોટો વધારો થવા સાથે જૂન માસમાં પહેલી વખત એક દર્દીને વેન્ટિલેટર સપોર્ટ ઉપર મુકવો પડ્યો છે.રાજ્યમાં નવા કેસ સામે ૭૭ દર્દી સાજા થયાનો દાવો સરકારે કર્યો છે.આમ,એક્ટિવ કેસનો આંક વધીને ૯૨૦ સુધી પહોંચી ગયા છે.૩૧ મેના રોજ ૨૨૫ એક્ટિવ કેસ હતા. પખવાડિયામાં જ ૧૦૦૦થી વધુ કેસ ઉમેરાયા છે.
છેલ્લા એક પખવાડિયાથી દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દરેક રાજ્યોને વધતાં જતાં સંક્રમણ તથા સ્થાનિક ક્લસ્ટર,સંક્રમિત રહેણાંક વિસ્તારોમાં સતત નજર રાખવા,ટ્રાવેલ હિસ્ટ્રી,ખાસ કરીને વિદેશથી આવેલા સંક્રમિતોના જીનોમ સિક્વન્સિંગ શરૂ કરવા પણ સૂચવ્યું છે.ગઇકાલે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ ટીબી માટે હર ઘર દસ્તક અભિયાન અંગે યોજેલી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથેની બેઠકમાં પણ કોરોનાના સંક્રમણ મુદ્દે ચર્ચા કરી હતી.સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે દેશમાં તેની ચિંતા કરીને સંતર્કતા રાખવામાં આવે તે મુદ્દે વર્ચ્યુઅલ બેઠકમાં ચર્ચા થઇ હતી.જેના સંદર્ભ ટેસ્ટીંગ,ટ્રેસીંગ,ટ્રીટમેન્ટ સાથે કોરોના રસીકરણને અસરકાર બનાવવા અને નાગરિકો કોવિડ અનુરૂપ વ્યવહારનું ચુસ્તપણે પાલન કરે તે સુનિશ્ચિત કરવા પર ખાસ ભાર મુકાયો હતો.


