અમદાવાદ : કેરળમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે.ચોમાસું આગળ વધવા માટે હાલ પરિબળો પણ સાનુકૂળ છે.જેના કારણે બેથી ત્રણ દિવસમાં ચોમાસું કર્ણાટક સુધી પહોંચી જશે ત્યારબાદ ધીમેધીમે ગુજરાત તરફ આગળ વધશે.ગુજરાતમાં ચોમાસુ ક્યારે બેસે તેની સૌ લોકો રાહ જોઈ રહ્યા છે ત્યારે જ્યોતિષીએ અનુમાન વ્યક્ત કર્યું છે કે,ચાલુ વર્ષે ગુજરાતમાં 10 જૂન સુધીમાં વરસાદી ઝાપટા પડશે.14 અને 15 જૂન આસપાસ સારો વરસાદ થશે.જુલાઈ મહિનામાં અને ઓગસ્ટની શરૂઆતમાં વરસાદ સારો રહેશે.તો સપ્ટેમ્બરમાં થોડો ઓછો વરસાદ પડશે.
વરસાદ કેટલો પડશે તેની પણ ધારણા કરતા જ્યોતિષીનું અનુમાન છે કે,ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં 40 ઇંચ જેટલો વરસાદ પડશે તો દક્ષિણ વિસ્તારમાં 80થી 100 ઇંચ સુધીનો ભારે વરસાદ થવાની શક્યતા છે.ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કોઈ ભાગમાં 30 ઇંચથી વધારે વરસાદ થશે તો મધ્ય ગુજરાતના ભાગોમાં 32 ઇંચ જેટલો વરસાદ થવાનું અનુમાન છે.જૂન મહિનામાં સરેરાશ 6થી 8 ઇંચ વરસાદ થશે.જેમાં ઉત્તર ગુજરાતમાં સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ પડવાનું અનુમાન છે.મધ્ય ગુજરાતમાં 8 ઇંચ વરસાદ થવાનું અનુમાન છે.સૌરાષ્ટ્રમાં સરેરાશ 20 ઇંચ વરસાદ થવાનું અનુમાન છે.તો દક્ષિણ ગુજરાતમાં પણ 20થી 25 ઇંચ વરસાદ થશે.જ્યારે કચ્છમાં પણ સારો વરસાદ થવાનું અનુમાન છે.


