ગાંધીનગર : કોરોના સંક્રમણ અને લોકડાઉનની સ્થિતિના કારણે રાજ્ય સરકારની આવકમાં અઢી મહિનામાં 13000 કરોડ કરતાં વધુ આવકનો ફટકો પડે તેવી દહેશત છે.એટલું જ નહીં કેન્દ્ર તરફથી મળનારા હિસ્સામાં પણ મોટો ઘટાડો થઇ શકે છે.જો આ મહામારી વધુ સમય સુધી ચાલશે તો સરકારની તિજોરી પર અકલ્પ્ય નુકશાન થવાની ભિતી સેવાઇ રહી છે.ચાલુ વર્ષના બજેટના તમામ અંદાજો ખોરવાઇ જવાની શક્યતા દેખાઇ રહી છે.રાજ્ય સરકાર આ વર્ષે નવી યોજનાઓ શરૂ કરી શકશે નહીં
રાજ્ય સરકારે 2019-20ના નાણાકીય વર્ષમાં પણ ખૂબ નુકશાન કર્યું છે.કેન્દ્રીય કરવેરામાં રાજ્યને 5815 કરોડ રૂપિયા ઓછા મળ્યા છે જ્યારે રાજ્યના કરવેરામાં 1792 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.બીજી તરફ એક વર્ષમાં વસૂલવા પાત્ર બાકી ટેક્સની રકમમાં 12708 કરોડનો વધારો થયો છે.રાજ્ય સરકાર વિવાદિત તેમજ બિન વિવાદિત 43000 કરોડ રૂપિયા વસૂલી શકી નથી,આમ છતાં માર્ચમાં પૂરા થયેલા વર્ષમાં ગુજરાત સરકારે 1.50 લાખ કરોડની મહેસૂલી આવક મેળવી છે.
નાણા વિભાગના આંકડા પ્રમાણે રાજ્ય સરકારે 2020-21ના નાણાકીય વર્ષના અંતે 136447 કરોડ રૂપિયા મહેસૂલી આવક તેમજ 46766 કરોડ રૂપિયાની મૂડીઆવક મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે.આમ કુલ માર્ચ 2021ના અંતે ગુજરાત સરકારને 183213 કરોડ રૂપિયા આવક થવાનો અંદાજ છે પરંતુ કોરોના સંક્રમણના કારણે સરકારને માર્ચ,એપ્રિલ અને મે મહિનામાં કુલ 13,000 કરોડ રૂપિયાનું માતબર નુકશાન થવાનો અંદાજ છે.લોકડાઉનના સમયમાં એવી કેટલીક આવકો છે કે જે શૂન્ય છે
ગુજરાત સરકારને સૌથી મોટું નુકશાન જીએસટી અને વેલ્યુ એડેડ ટેક્સમાં છે.એ ઉપરાંત સ્ટેમ્પડ્યુટી તેમજ જમીન મહેસૂલની આવક છે.વીજળી પરના વેરામાં સૌથી વધારે ફટકો ઉદ્યોગજૂથો બંધ હોવાથી પડ્યો છે.રાજ્યમાં નવા વાહનોની નોંધણી થતી નથી.રિયલ એસ્ટેટ સંપૂર્ણ લોકડાઉન છે તેથી સ્ટેમ્પડ્યુટી અને નોંધણીની આવક બંધ છે.આ બન્ને સેગમેન્ટમાં 90 ટકાનો ઘટાડો છે.


