– અંધેરી પૂર્વનું અજબગજબઃ રાજ ઠાકરે, શરદ પવાર એક પાટલે
– જોકે, 14 ઉમેદવાર મેદાનમાં હોવાથી બિનહરીફ ચૂંટણીની કોઈ શક્યતા નથીઃ આજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે
મુંબઇ : અંધેરી-પૂર્વની વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી ધાર્યા કરતાં રસપ્રદ બનતી જાય છે.મનસે નેતા રાજ ઠાકરેએ એક રાજકીય ગૂગલી રુપે ભાજપને ઉદ્ધવ જૂથનાં ઉમેદવારની તરફેણમાં ચૂંટણી નહીં લડવા અને તેમને બિનહરીફ ચૂંટાવા દેવા અપીલ કરી છે.જોકે, રાજ ઠાકરેની આ અપીલ માત્ર કાગળ પરની રાજકીય કવાયત છે કારણ કે ૧૪ ઉમેદવાર મેદાનમાં હોવાથી આ ચૂંટણી બિનહરીફ થવાની શક્યતા નથી.આવતીકાલે સોમવારે ફોર્મ પાછું ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બનશે.
અંધેરી-પૂર્વની પેટાચૂંટમી સંદર્ભમાં રાજ ઠાકરેએ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર પાઠવીને ભાજપના મુરજી પટેલની ઉમેદવારી પાછી ખેંચવાની અપીલ કરી હતી.જોકે ફડણવીસે રાજની માગણી સ્વીકારી પણ નથી અને ફગાવી પણ નથી. એટલે દહી-દૂધમાં પગ રાખતા તેમણે જણાવ્યું હતું કે વરિષ્ઠો સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.રાજ ઠાકરેએ આ અપીલમાં જણાવ્યું હતું કે અંધેરી પૂર્વના સ્વ. ધારાસભ્ય રમે શ લટકેને શ્રદ્ધાંજલિ રુપે તમામ પક્ષોએ એક થઈને આ ચૂંટણી બિનહરીફ થવા દેવી જોઈએ એમ રાજ ઠાકરેએ જણાવ્યું હતું.એક નવા રાજકીય ઘટનાક્રમ રુપે એનસીપીના પ્રમુખ શરદ પવારે રાજ ઠાકરેની અપીલને ટેકો આપ્યો હતો.તેમણે ભાજપને યાદ અપાવ્યું હતું કે અગાઉ સ્વ.ગોપીનાથ મુંડેના નિધન પછી તેમની બેઠક પર એનસીપીએ પણ ચૂંટણી નહીં લડવાનું નક્કી કર્યું હતું.
એક કાંકરે ત્રણ પક્ષી વિંધવાનો રાજનો ઈરાદો
શિવસેનાના નેતૃત્ત્વવાળી મહાવિકાસ આઘાડી સરકાર સત્તા પર હતી ત્યારે રાજ ઠાકરેએ મુખ્ય પ્રધાન અને પિત્રાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરે ઉપર પ્રહાર કરવાની કોઈ તક છોડી નહોતી.રાજે ભાજપના ટેકાથી જ હનુમાન ચાલીસા પઠન અને મસ્જિદો પરનાં લાઉડસ્પીકર મુદ્દે આંદોલન ચલાવ્યું હતું.અત્યારે પણ રાજ ઠાકરે ઉદ્ધવ જૂથનાં ઉમેદવારનો નહીં પણ પોતાનો રાજકીય ફાયદો જોઈ રહ્યાની ચર્ચા છે. રાજ મરાઠી માણૂસના હક્કના નામે રાજકારણ કરતા આવ્યા છે.તેમની ઈમેજ આ દાવથી બળવત્તર થશે તેવી તેમની ગણતરી છે.પેટા ચૂંટણીમાં દિવંગત પેટા ચૂંટણીમાં દિવંગત લોકપ્રતિનિધિના કુટુંબની કોઈ વ્યક્તિ ઊભી હોય ત્યારે મનસે તરફથી ઉમેદવારી નહીં કરવાનો સિદ્ધાતં પોતે જાળવી રહ્યા છે એવી છાપ પણ સુદૃઢ થશે.મહાપાલિકાની આગામી ચૂંટણી પહેલાં ઠાકરે અને શિંદેની અસલી શિવસેનાની લડાઈમાં પોતે ફાવી શકે તેમ છે તેવી નેમ સાથે મરાઠી મતદારોની સહાનુભૂતિ મેળવવાનો પણ તેમનો ઈરાદો હોઈ શકે છે.રાજકીય નિરીક્ષકોના મતે અંધેરી પૂર્વની ચૂંટણીમાં આમ પણ રાજ ઠાકરેની મનસેનાં કોઈ હિતો નથી.આ બહાને તેમણે પોતાની પણ ચર્ચા છેડાય તેવો પ્રયાસ કર્યો છે.


