મુંબઈ, તા. 3. માર્ચ. 2022 રવિવાર : મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ શનિવારે રાત્રે મુંબઈના શિવાજી પાર્કમાં આગ ઝરતુ ભાષણ કર્યુ હતુ.આ ભાષણમાં તેમણે શિવસેનાની ઝાટકણી પણ કાઢી હતી.હવે શિવસેના પ્રવકતા અને સાસંદ સંજય રાઉતે તેનો જવાબ આપ્યો છે.તેમણે કહ્યુ હતુ કે, નગર પાલિકાની ચૂંટણીઓ બાદ હવે રાજ ઠાકરેને યાદ આવી રહ્યુ છે કે, અઢી વર્ષ -અઢી વર્ષ માટે ભાજપ અને શિવેસના વચ્ચે જે તે સમયે સીએમ પદની વહેંચણીની વાત થઈ હતી.તેમને બહુ મોડેથી બુધ્ધિ આવી છે.ભાજપ અને શિવેસનામાં શું થયુ છે તે અમે બંને જોઈ લઈશું.તેમાં કોઈ ત્રીજા પક્ષની જરુર નથી.
રાઉતે કહ્યુ હતુ કે, રાજ ઠાકરેના કાર્યક્રમને જોઈને લાગ્યુ હતુ કે, આ કોઈ ભાજપનો કાર્યક્રમ છે.
મસ્જિદમાં લાઉડ સ્પીકર હટાવવાના રાજ ઠાકરેના નિવેદન પર રાઉતે કહ્યુ હતુ કે, મહારાષ્ટ્રમાં દેશનો કાયદો લાગુ છે અને પહેલા જુઓ કે કયા ભાજપ શાસિત રાજ્યોમાં લાઉડ સ્પીકર હટાવી લેવાયા છે..આ મહારાષ્ટ્ર છે અને અહીંયા કાયદાનુ પાલન થાય છે.
ઉલ્લેખનીય છે કે, રાજ ઠાકરેએ પોતાના ભાષણમાં કહ્યુ હતુ કે, મહારાષ્ટ્રની જનતાએ શિવસેનાને એનસીપી તેમજ કોંગ્રેસ સાથે સરકાર બનાવવા માટે મત નહોતા આપ્યા .ઉધ્ધવ ઠાકરેએ જનતા સાથે ગદ્દારી કરી હતી અને્ તેમને લોકો જ પાઠ ભણાવશે.ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ઉધ્ધવ ઠાકરે અને શિવસેનાને અઢી વર્ષ માટે સીએમ પદનો વાયદો યાદ આવ્યો હતો.તેઓ ચૂંટણી મંચ પર ક્યારેય અમિત શાહ અને નરેન્દ્ર મોદીની હાજરીમાં આ વાત બોલ્યા નથી.


