તાજેતરમાં જ ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટ્ટુ કાકાની ભૂમિકા ભજવનાર અભિનેતા ઘનશ્યામ નાયકનાં નિધનનાં દુઃખદ સમાચાર સામે આવ્યા હતા.
આ પછી મનોરંજન જગતમાંથી વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.રામાનંદ સાગરનાં પૌરાણિક ટીવી શો ‘રામાયણ’ માં રાવણની ભૂમિકા ભજવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે.
રામાનંદ સાગર દ્વારા રચિત પ્રખ્યાત સીરીયલ રામાયણમાં રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદી હવે આ દુનિયામાં નથી રહ્યા. 82 વર્ષની વયે મંગળવારે રાત્રે તેમનું અવસાન થયું છે.તેઓ તેમના અંતિમ દિવસોમાં મુંબઈમાં હતા.અરવિંદ ત્રિવેદીનાં ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ આ દુઃખદ ઘટનાની પુષ્ટિ કરી હતી.કૌસ્તુભ ત્રિવેદીનાં જણાવ્યા અનુસાર, અરવિંદ ત્રિવેદીની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી ઠીક ન હોતી અને મંગળવારે તેમને હાર્ટ એટેક આવ્યા બાદ ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. બુધવારે દહનુકરવાડી સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
કેવી રીતે મળ્યો રાવણનો રોલ
રામાયણમાં રામનું પાત્ર ભજવનાર અભિનેતા અરુણ ગોવિલે આ વાતનો ખુલાસો કર્યો હતો.અરવિંદ ત્રિવેદીએ કેવટની ભૂમિકા માટે ઓડિશન આપ્યું હતું. અરુણ ગોવિલે કહ્યું હતું કે- રામાનંદ સાગરે તેમનું ઓડિશન લીધુ અને જ્યારે તેમણે અરવિંદને જોયો ત્યારે તેમને લાગ્યું કે રામાયણ માટે રાવણ મળી ગયો છે. રામાનંદ સાગર તેમની બોડી લેંગ્વેજ જોઈને સમજી ગયા કે અરવિંદ રાવણનાં રોલ માટે પરફેક્ટ છે.રામાનંદ સાગરે રાવણની ભૂમિકા માટે લગભગ 300 કલાકારોનું ઓડિશન લીધુ હતું.અરવિંદ ત્રિવેદી ગુજરાતી ફિલ્મોમાં કામ કરતા હતા.તેમને રામલીલા જોવાનો ખૂબ શોખ હતો.તેમના મોટા ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી રંગભૂમિનાં જાણીતા કલાકાર રહ્યા છે.તેઓ તેમના પગલે ચાલીને અભિનયની દુનિયામાં આવ્યા હતા.
જ્યારે તેમને ખબર પડી કે રામાયણનું ઓડિશન ચાલી રહ્યું છે,ત્યારે તેઓ ખાસ ગુજરાતથી મુંબઈ આવ્યા હતા.રામાયણ સિવાય અરવિંદ ત્રિવેદીએ ઘણી ટીવી સીરીયલ અને ફિલ્મોમાં અભિનય કર્યો છે. મધ્યપ્રદેશનાં ઈન્દોર શહેરનાં વતની અરવિંદે પોતાનું જીવન ગુજરાતમાં વિતાવ્યું હતું.વર્ષ 1991 માં તેઓ ગુજરાતનાં સાબરકાંઠા જિલ્લામાંથી સાંસદ પણ ચૂંટાયા હતા.


