અમદાવાદ : પોલીસ તંત્રમાં PCB- પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની ઓળખ શહેરમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડા અને કોલ સેન્ટર પર દરોડા પાડીને સ્થાનિક પોલીસની ગોઠવણ ખુલ્લી પાડવી તરીકે ઉપસેલી છે. જોકે,તાજેતરમાં PCBનો ચાર્જ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટે સંભાળતાની સાથે જ દારૂ જુગારની રેડ ઉપરાંત અન્ય દૂષણો સામે પણ કામગીરી આરંભી છે.આ અંતર્ગત તેમની ટીમે રામોલના છેવાડાના વિસ્તારમાં ધમધમતા પ્લાસ્ટિક-કેમિકલના જોખમી પ્રોસેસ હાઉસ પર દરોડા પડ્યા હતા.PCBના ઇતિહાસમાં આવી પ્રથમ રેડ થઇ છે.સ્થળ ઉપર જ GPCB અને FSLના અધિકારીઓને બોલાવીને તેનું પરિક્ષણ કરાવવામાં આવ્યું હતું.જોખમી કેમિકલમાં લોકોને કેન્સર થાય તેવા તત્ત્વો મળી આવ્યા હોવાનું જાણી શકાયું છે.
PCBની ટીમને બાતમી મળી હતી કે રામોલના લિસ્ટેડ બૂટલેગર સલીમ તોતાનો ભાઇ શકીલ અન્સારી રામોલ ટોલનાકા નજીક ખુલ્લી જગ્યામાં શેડો બાંધીને પ્લાસ્ટિક બાળી તેના ગઠ્ઠા બનાવવાનો પ્લાન્ટ ચલાવી રહ્યો છે.ઘણા જોખમી કેમિકલનો પ્રોસેસ કરીને તે કેમિકલ ખુલ્લામાં છોડવામાં આવે છે.આ કેમિકલ એટલું જોખમી છે કે તેમાંથી નીકળતા તત્ત્વો કેન્સર કરી શકે છે.તેને પગલે PCBની ટીમે આ પ્લાન્ટ પર દરોડા પાડીને શકીલ અન્સારીને ઝડપી લીધો હતો.
GPCBના અધિકારી એચ.આર.મણિયાર અને FSLના અધિકારી વી.એસ.કાપૂરેને સ્થળ પર બોલાવીને આ કેમિકલનું પરીક્ષણ કરાવડાવતાં તેમણે જણાવ્યું હતું કે પ્લાસ્ટિકના આ ઘન કચરાના નિકાલ અને કેમિકલયુક્ત પાણીમાંથી નિકળતા રાસાયણિક તત્ત્વો સજીવ સૃષ્ટી અને ભૂગર્ભ જળ તથા જમીનને દૂષિત કરે છે.આ તત્ત્વો કેન્સર માટે પણ જવાબદાર છે.રામોલ પોલીસના ચોક્કસ માણસો તથી GPCBના અધિકારીની રહેમ નજર હેઠળ ચાલતા આ પ્લાન્ટ પર પોલીસે દરોડા પાડીને શકીલ અન્સારીની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે.