અમદાવાદ,સોમવાર : પૂર્વમાં બેફામ અને બેદરકારાથી વાહનો હંકારવાના કારણે અકસ્માતે મોતના બનાવો ચિંતાજનક વધારોે થઇ રહ્યો છે, રામોલમાં બાઇક સ્લીપ થતાં યુવકનું મોત નીપજ્યું છે.આ બનાવ અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે વસ્ત્રાલ વિસ્તારમાં ન્યું આર.ટી.ઓ રોડ ઉપર વિનાયક પાર્ક સોસાયટીમાં સી-૧૧૭ મકાનમાં રહેતા દઉદસિંહ નંદુસિંહ રાજપૂત (ઉ.વ.૨૮) તા. ૨૭ના એપ્રિલના રોજ રાતે ૯ .૪૫ વાગે કોઇ કામ અર્થે પોતાના બાઇક લઇને રામોલ પોલીસ ચોકીથી અદાણી સર્કલ બ્રિજ ઉપરથી પસાર થતા હતા આ સમયે કોઇક કારણસર તેમનું બાઇક સ્લીપ ખાઇ ગયું હતું, જેથી તેમને પગે ફ્રેકચર થયું હતું અને માથામાં ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમનું ૧૩ દિવસની સારવાર દરમિયાન આજે સવારે મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે સપ્તાહ પહેલા પણ મણિનગર વિસ્તારમાં જીરાફ સર્કલ પાસે રહેતા આધેડ ઇસનપુરમાં કામ અર્થે જવાનું કહીને ઘરેથી બાઇક લઇને ગયા હતા અને તેઓ ઇસનપુર જયમાલા ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા આ સમયે કોઇક કારણસર અચાનક તેમનું બાઇક સ્લીપ ખાઇ ગયું હતું.જેથી માથામાં ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમનું પાંચ દિવસની સારવાર દરમિયાન બેભાન હાલતમાં મરણ પામ્યા હતા.


