નવી દિલ્હી/અયોધ્યા : અયોધ્યામાં રામમંદિર માટેની જમીનમાં ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા જમીનના સોદા અંગે સ્ટેટમેન્ટ તેમજ એગ્રીમેન્ટની વિગતો જાહેર કરવામાં આવી હતી.ટ્રસ્ટે કહ્યું હતું કે આ સોદામાં ૯ લોકો સંકળાયેલા હતા તેમની સાથે વાતચીત કરીને તેમની મંજૂરી પછી પારદર્શક રીતે સોદો કરાયો છે.તમામ નાણાકીય વ્યવહારો બેન્ક દ્વારા રેકોર્ડ પર કરાયા છે.ન્યાસ આ જમીન ઘણા સમયથી ખરીદવા માગતું હતું પણ અગાઉના તમામ કરારની માલિકીના ટાઈટલ ક્લિયર થાય પછી તે ખરીદવાનું નક્કી કરાયું હતું.છેલ્લા ૧૦ વર્ષમાં ૩ વખત જમીનનો સોદા થયો હતો જેમાં ૯ પૈકી ૩ મુસ્લિમો હતા.તમામની મંજૂરી પછી અંતિમ સોદો કરાયો હતો.ટ્રસ્ટે આ ઉપરાંત મંદિર અને આશ્રમો સહિત ૩થી ૪ પ્લોટ પણ ખરીદ્યા છે.જેમને પુનઃવસન માટે ફંડ આપવામાં આવશે.જમીન વિવાદ મામલે યુપીના સીએમ યોગી આદિત્યનાથ દ્વારા અયોધ્યાના ડીએમ તેમજ કમિશનર પાસે રિપોર્ટ માગવામાં આવ્યો હતો.
ટ્રસ્ટને બદનામ કરવા વિપક્ષો દ્વારા રાજકીય કાવતરું
અયોધ્યામાં રામમંદિર ટ્રસ્ટ દ્વારા રૂ. ૨ કરોડની જમીન રૂ. ૧૮ કરોડમાં ખરીદીને કૌભાંડ આચરવાના આક્ષેપો કરાઈ રહ્યા છે ત્યારે ટ્ર્સ્ટે આ જમીન શા માટે રૂ. ૧૮ કરોડમાં ખરીદાઈ તેનો રિપોર્ટ કેન્દ્ર સરકાર તેમજ ઇજીજીને મોકલી આપ્યો છે.ટ્ર્સ્ટે તમામ આરોપોને ફગાવ્યા છે અને ચૂંટણી સમયે વિપક્ષો દ્વારા ટ્રસ્ટને બદનામ કરવા રાજકીય કાવતરું ઘડવામાં આવ્યું હોવાના આક્ષેપો કરાયા છે.
માર્કેટ રેટ કરતાં ઓછા ભાવથી જમીન ખરીદવામાં આવી : ટ્રસ્ટ
મંગળવારે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા જમીન શા માટે ખરીદાઈ તેની હકીકતોનો ખુલાસો કરાયો હતો.જમીન પ્રાઈમ લોકેશન પર છે તેથી તેના ભાવ વધારે છે.જે ૧.૨૦૮૯૦ હેક્ટર જમીન ખરીદાઈ છે તેનો સ્કવેર ફૂટદીઠ ભાવ ૧૪૨૩ છે.આ સોદા માટે ૧૦ વર્ષથી વાતચીત ચાલતી હતી જેમાં ૯ પક્ષકારો સામેલ હતા.ટ્ર્સ્ટે કહ્યું હતું કે, માર્કેટ રેટ કરતા ઓછા ભાવથી જમીન ખરીદવામાં આવી છે.ટ્ર્સ્ટનાં મહાસચિવ ચંપતરાયે કહ્યું હતું કે, ટ્ર્સ્ટ સામે લગાવેલા આરોપ રાજકારણ પ્રેરિત છે.ભાજપનાં વિરોધપક્ષોએ આ આક્ષેપો કર્યા છે જે તદ્દન ખોટા છે.જમીનનો સોદો પારદર્શક રીતે કરાયો છે.
જમીન સોદા અંગે ટ્ર્સ્ટના કેટલાક સભ્યોને વાંધો : અનિલ મિશ્રાની કામગીરી સામે શંકા
રામ જન્મભૂમિ ટ્રસ્ટના બે સભ્યોએ જમીન સોદા સામે વાંધો દર્શાવ્યો છે.ટ્રસ્ટી અનિલ મિશ્રાની ભૂમિકા સામે શંકા દર્શાવાઈ છે.જમીન સોદામાં અનિલ મિશ્રા સાક્ષી રહ્યા છે. ટ્ર્સ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસજીના ઉત્તરાધિકારી કમલનયન દાસે કહ્યું હતું કે, ટ્રસ્ટ જે નિર્ણયો લે છે તેની જાણ કરાતી નથી.
સોદો થોડી મિનિટોમાં નથી થયો : અન્સારી
જમીન સોદામાં પ્રોપર્ટી દલાલ સુલતાન અન્સારીનું નામ બહાર આવ્યું છે.તેમણે સ્પષ્ટતા કરી હતી કે સોદો થોડી મિનિટોમાં નથી થયો.અમે રામમાં માનીએ છીએ.રામમંદિરની બાજુમાં રહીએ છીએ.અમે પણ દાન દઈએ છીએ.ધર્મનો મામલો છે તેથી ઓછા પૈસામાં ટ્રસ્ટને જમીન આપી છે.
આપના સાંસદ સંજયસિંહના ઘરે તોડફોડ કરાઈ : મારી હત્યા કરાય તો પણ મંદિરનાં દાનની ચોરી થવા નહીં દઉં
રામમંદિર માટે જમીન કૌભાંડના આક્ષેપો કરનાર આમઆદમી પાર્ટીના સાંસદ સંજયસિંહના સરકારી નિવાસ પર ૪-૫ લોકો દ્વારા હુમલો કરીને તોડફોડ કરાઈ હતી.નેમપ્લેટ પર કાળો કૂચડો લગાવવામાં આવ્યો હતો.આ ઘટનાથી સનસનાટી મચી હતી.આ પછી સંજયસિંહે ટ્વિટ કર્યું હતું કે, મારા ઘરે હુમલો કરાયો છે પણ કાન ખોલીને સાંભળો ભાજપીઓ તમે ભલે ગમે તેટલી ગુંડાગર્દી કરો પણ ભગવાન શ્રીરામનાં નામે બનનાર મંદિરનાં ડોનેશનની હું ચોરી થવા નહીં દઉં.આ માટે ભલે મારી હત્યા થાય.આ ૧૧૫ કરોડ હિન્દુઓનું અપમાન છે.
ભગવાન રામનાં નામે વિશ્વાસઘાત કરાયો જે અધર્મ છે : રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રામમંદિર માટે જમીન ખરીદીના સોદામાં આચરવામાં આવેલી ગેરરીતિ અને કૌભાંડ એ ભગવાન રામનાં નામે કરાયેલો વિશ્વાસઘાત છે જે અધર્મ છે.ભગવાન રામ ન્યાય,સત્ય અને આસ્થાનાં પ્રતીક છે.