નવી દિલ્હી,તા.8.જુલાઈ : અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે આંદોલન કરી રહેલા કાર સેવકો પર 1990માં તે સમયની મુલાયમસિંહ સરકારે ગોળીઓ વરસાવી હતી અ્ને સંખ્યાબંધ કારસેવકોના મોત થયા હતા.હવે યુપી સરકારે આ કારસેવકોના નામ પર રસ્તાઓ બનાવવાનુ એલાન કર્યુ છે.યુપીના ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્યે અયોધ્યામાં એક કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી હતી.તેમણે કહ્યુ હતુ કે, કાર સેવકો ભગવાન રામના દર્શન કરવા માંગતા હતા પણ તેમના પર ગોળીઓ ચલાવાઈ હતી.હવે રસ્તાઓ પર તેમના નામની તકતી અને તસવીર પણ મુકવામાં આવશે.
તેમણે કહ્યુ હતુ કે, 1990માં સમાજવાદી પાર્ટીની સરકારે નિશસ્ત્ર કાર સેવકો પર ગોળીઓ ચલાવી હતી.આજે હું એલાન કરુ છું કે, એ તમામ કાર સેવકોના નામ પર રાજ્યમાં રસ્તા બનશે.આ કારસેવકોના ઘર સુધી રસ્તા બનશે અ્ને તેના પર તેમના નામ હશે.સાથે સાથે દેશની સુરક્ષા માટે શહીદ થયેલા યુપીના જવાનો અને પોલીસ જવાનોના ઘર સુધી પણ રસ્તા બનાવવામાં આવશે.રાજ્યમાં ટોપર સ્ટુડન્ટના ઘર સુધી પણ રાજ્ય સરકાર રસ્તા બનાવી આપશે.

