મુંબઈ : તા.23 જૂન 2022,ગુરૂવાર : અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં ભારે નુકસાન થયું છે.આ ભૂકંપમાં 1000થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને 1500થી વધુ લોકો ઘાયલ થયા છે.રિક્ટર સ્કેલ પર 6.1ના આ ભૂકંપના કારણે અફઘાનિસ્તાનમાં 3000થી વધુ કાચા અને પાકાં મકાનો ધરાશાયી થયા છે.પહેલાથી જ મુશ્કેલીઓનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનના લોકો માટે ભૂકંપના કારણે મુશ્કેલી વધી છે.આ મુશ્કેલ સમયમાં દુનિયાભરના દેશો અફઘાનિસ્તાનની મદદ માટે આગળ આવ્યા છે.અફઘાનિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર રાશિદ ખાને પણ આ મુશ્કેલ સમયમાં અફઘાનિસ્તાનના લોકોની મદદ માટે હાથ લંબાવ્યો છે.
રાશિદ ખાને આ ભૂકંપમાં સર્વસ્વ ગુમાવનાર માસૂમ બાળકીની તસવીર ટ્વિટર પર શેર કરી છે.આ તસવીર શેર કરતાં તેણે લખ્યું હતું કે,આ નાનકડી પરી પોતાના પરિવારની એકમાત્ર જીવિત સભ્ય છે. સ્થાનિક લોકોને ભૂકંપ બાદ આ બાળકીના પરિવારના અન્ય કોઈ સભ્ય મળ્યા નથી.ભૂકંપના કારણે અનેક મકાનો ધરાશાયી થયા છે અને દૂર દૂરના વિસ્તારોમાં લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે.આવી સ્થિતિમાં હું તમને બધાને અપીલ કરૂં છું કે શક્ય હોય એટલી લોકોને મદદ કરો.રાશિદ પોતે પણ પીડિતો માટે ફંડ એકઠું કરી રહ્યો છે.તેણે આ અંગે એક વીડિયો મેસેજ પણ જાહેર કર્યો હતો.