નવી દિલ્હી,તા.17 મે 2022,મંગળવાર : સંયુક્ત આરબ અમિરાતના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના નિધન પર ભારતે ઘેરો શોક વ્યક્ત કર્યો છે.બીજી તરફ યુએઈમાં રહેતા ભારતીય સમુદાયે તેમના આત્માની શાંતિ માટે અબુધાબીના એક મંદિરમાં વિશેષ પ્રાર્થના સભાનુ આયોજન કર્યુ હતુ.જેને લઈને યુએઈના લોકો ભારતીયોનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.
યુએઈના જાણીતા અબજોપતિ વેપારી હસન સાજવાનીએ આ પ્રાર્થના સભાનો વિડિયો શેર કરીને કહ્યુ હતુ કે, દિવંગત રાષ્ટ્રપતિ માટે ભારતીયોએ જે પ્રેમ વ્યક્ત કર્યો છે તે જિંદગીભર યાદ રહેશે.અમારા પિતા શેખ ખલીફાના સન્માનમાં પ્રાર્થના સભાનુ આયોજન કરવા બદલ હિન્દુ સમુદાયનો દિલથી આભાર માનીએ છે.ધન્યવાદ અને ભગવાન તમારૂ ભલુ કરે.
આ વિડિયોમાં મહિલા અને બાળકો પણ સામેલ થયેલા દેખાય છે.ભજન કિર્તન બાદ શેખ ખલીફાની યાદમાં સ્વામી બ્રહ્માવિહારી દાસ કહેતા સંભળાય છે કે, આજે આપણે એવા વ્યક્તિને શ્રધ્ધાંજલિ આપવા માટે ભેગા થયા છે જેમનુ જીવન હંમેશા પ્રેરણા આપનારુ રહ્યુ છે.શેખ ખલીફાએ એવો દેશ બનાવ્યો છે જ્યાં તમામની જિંદગી વધારે બહેતર થતી ગઈ છે.તેઓ વારંવાર કહેતા હતા કે, યુએઈની સફલતા લોકોના જીવન સ્તર અને પરસ્પરના સદભાવમાં છુપાયેલી છે.
ઉલ્લેખનીય છે કે, 73 વર્ષીય રાષ્ટ્રપતિ શેખ ખલીફાનુ ગયા શુક્રવારે નિધન થયુ હતુ. તેઓ લાંબા સમયથી બીમાર હતા.નવા રાષ્ટ્રપતિ તરીકે શેખ મહોમ્મદ બિન જાયદ અલ નાહયાનની પસંદગી કરવામાં આવી છે.


