– 8600 કેસમાં ગયા વર્ષની તપાસ આ વર્ષે પણ ચાલુ છે : 2021માં સરેરાશ દૈનિક 14 કેસ નોંધાયા: NCRB
નવી દિલ્હી : ભારતે રાષ્ટ્ર સામે વિવિધ ગુના બદલ ૫,૧૬૪ કેસ દાખલ કર્યા છે.જેમાં રાજદ્રોહ,ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ અને ગેરકાયદેસર પ્રવૃત્તિ (પ્રિવેન્શન) એક્ટના કેસનો સમાવેશ થાય છે.સરકારના તાજેતરના આંકડા પ્રમાણે ૨૦૨૧માં સરેરાશ દૈનિક ૧૪ કેસ નોંધાયા હતા. ૨૦૨૦ અને ૨૦૧૯ની તુલનામાં ૨૦૨૧માં આવા કેસમાં ઘટાડો નોંધાયો હતો.નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરો (NCRB)ના ‘ક્રાઇમ ઇન ઇન્ડિયા – ૨૦૨૧’ અહેવાલમાં ૨૦૨૦ અને ૨૦૧૯માં અનુક્રમે ૫,૬૧૩ અને ૭,૬૫૬ કેસ ફાઇલ થયા હતા. NCRB ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે.આવા ૫,૧૬૪ નવા કેસ ઉપરાંત, ૮૬૦૦ કેસમાં ગયા વર્ષની તપાસ આ વર્ષે પણ ચાલુ છે.
ત્રણ કેસ તપાસ માટે ખોલાયા હતા.આ સાથે ૨૦૨૧માં તપાસ બાકી હોય એવા કેસની સંખ્યા ૧૩,૭૬૭ થઈ હતી.ગયા વર્ષે આવા કુલ કેસમાંથી ૭૯.૨ ટકા કેસ ‘ધ પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ’ (૪,૦૮૯ કેસ) હેઠળ નોંધાયા હતા. જ્યારે ૮૧૪ કેસ ગેરકાયદે પ્રવૃત્તિ નિયંત્રણ ધારા હેઠળ નોંધવામાં આવ્યા હતા.સત્તાવાર ડેટા અનુસાર દેશભરમાં સરેરાશ ચાર્જશીટનું પ્રમાણ ૨૦૨૧માં ૭૮ ટકા રહ્યું હતું. ‘રાષ્ટ્ર વિરુદ્ધ અપરાધ’ની વ્યાપક કેટેગરી હેઠળ ઉત્તર પ્રદેશમાં ૨૦૨૧માં ૧,૮૬૨ કેસ નોંધાયા હતા.તે ૨૦૨૦ના ૨,૨૧૭ અને ૨૦૧૯ના ૨,૧૦૭ કરતાં ઓછા છે.ઉત્તર પ્રદેશ પછીના ક્રમે તમિલનાડુ (૬૫૪ કેસ), આસામ (૩૨૭ કેસ), જમ્મુ-કાશ્મીર (૩૧૩ કેસ) અને પશ્ચિમ બંગાળ (૨૭૪ કેસ) છે.દિલ્હીમાં ૨૦૨૧માં ૧૮ કેસ નોંધાયા હતા.
લદ્દાખમાં 2021માં માત્ર 23 હિંસક બનાવો
લેહ: લદ્દાખે દેશમાં સૌથી સુરક્ષિત સ્થળની પ્રતિષ્ઠા જાળવી રાખી છે. અહીં ૨૦૨૧માં માત્ર ૨૩ હિંસક બનાવ બન્યા છે.જોકે, આ સંખ્યા અગાઉના વર્ષની તુલનામાં લગભગ ચાર ગણી છે.નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરો (NCRB)ના અહેવાલમાં જણાવ્યા અનુસાર લદ્દાખમાં રાષ્ટ્રદ્રોહ,જૂથો વચ્ચે દુશ્મનાવટ અને રાષ્ટ્રીય એકતા માટે જોખમ ઊભું કરે તેવા કોઇ કેસ નોંધાયા નથી.અહેવાલમાં જણાવ્યા અનુસાર લદ્દાખમાં દર લાખની વસ્તીએ ગુનાખોરીની નોંધણીનો દર ૧૮૭.૬ ટકા નોંધાયો છે અને ચાર્જશીટનો રેટ ૯૦.૧ ટકા છે.અહીં મહિલાઓ સામે ૨૦૨૧માં ૧૮ ગુના નોંધાયા છે, જે ૨૦૨૦માં ૯ કેસ હતા.