આગ્રા : ઉત્તરપ્રદેશના આગ્રામાં માનવતાને નેવે મુકતી ઘટના સામે આવી છે.એક ખાનગી હોસ્પિટલમાં પ્રસૃતિ બાદ બિલના 30 હજાર રૂપિયા માટે તબીબે માતા-પિતા પાસેથી શિશુને છીનવી લીદ્યું હતું.તેની સાથે એક કોરા કાગળ પર બંનેનો અંગૂઠો કરાવ્યો હતો.જનેતા રડતાં રડતાં વિનંતીઓ કરતી રહી અને પિતા પણ લાચાર બનીને તબીબનો ખેલ જોતો રહ્યો અને શિશુને વેચી નાંખવામાં આવ્યું હતું.ઘટનાની જાણ થતા જ શહેરના આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલને સીલ કરી દીધી છે.તપાસમાં નવજાતનો કોઈ પત્તો મળ્યો ન હતો.
આગ્રાના શંભુનગરમાં રહેતો શિવ નારાયણ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજારન ચલાવતો હતો.લોકડાઉનમાં રોજી છીનવાતા થોડા માસ પૂર્વે દેવામાં તેણે ઘર પણ ગુમાવી દીધું હતું.ગત 23મી ઓગષ્ટે પત્ની બબિતાને પ્રસૃતિ માટે શહેરની જે.પી.હોસ્પિટલમાં દાખલ કરી હતી.બબિતાએ દીકરીને જન્મ આપ્યો હતો.
25મી ઓગષ્ટે રજા આપતી વખતે ખાનગી હોસ્પિટલે રૂ.30 હજારનું બિલ હાથમાં આપ્યું હતું.આ સમયે શિવ નારાયણે તબીબના પગે પડીને તેની પાસે ફી ચૂકવવા માટે માત્ર રૂ.500 હોવાનું જણાવ્યુ હતુ.તો તબીબે સહેજ પણ દયા રાખ્યા વિના જ શિશુને ત્યજી દેવા જણાવ્યું હતું.ત્યારબાદ હોસ્પિટલ દ્વારા નવજાતને જનેતાથી પણ દૂર કરી દેવાયું હતું.મહિલાનાં આરોપ મુજબ થોડાઘણાં પૈસા તેમનાં હાથમાં જબરદસ્તીથી પકડાવીને એક કાગળ પર અંગૂઠાનું નિશાન લઈ લીધું હતું. ત્યારબાદ હોસ્પિટલમાંથી ભગાડી દેવાયા હતા.