– રિબડાનાં અનિરુદ્ધસિંહ જાડેજાએ રૂ. 50 કરોડનો માનહાનીનો દાવો કર્યો
– ભરપાઇ કરવા માટે સાત દિવસનો સમય અપાયો
ગત વિધાનસભા ચૂંટણી સમયે જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા ભારે ચર્ચામાં આવ્યા હતા.દરમિયાન રીબડા ખાતે ડિસેમ્બર માસમાં ગોંડલના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યની હાજરીમાં યોજાયેલી સભામાં બે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવું ઉશ્કેરણી જનક ભાષણ કરનારા રાજકોટના ગોવિંદ સગપરિયા સામે રીબડાના અનિરુધ્ધસિંહ જાડેજાએ રૂપિયા 50 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે.અને સાત દિવસમાં આ રકમ ચૂકવી સંમેલનના વીડિયો સોશિયલ મીડિયામાંથી હટાવી લઈ માફી માંગવા જણાવ્યું છે.
અનિરુધ્ધસિંહ જાડેજાએ એડવોકેટ દિનેશ પાતર દ્વારા પાઠવેલી નોટિસમાં જણાવ્યું છે કે, ડિસેમ્બરમાં રીબડા ખાતે સભા યોજવામાં આવી હતી.જેમાં ક્ષત્રીય તેમજ પટેલ સમાજ વચ્ચ વૈમનસ્ય ફેલાય તે રીતે ગોંવિંદભાઇ દ્વારા અસભ્ય ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.આ સમયે વિશાળ જનમેદની અને આગેવાનોની હાજરીમાં તેમના પરિવારજનોના ચારિત્રયને હલકું બતાવવા પ્રયત્ન થયો હતો.અને આધાર વિહિન આક્ષેપો કરવામાં આવ્યા હતા.સાથે જ પટેલ સમાજના લોકો ક્ષત્રિય સમાજને દુશ્મનની નજરે જુએ અને દુશ્મનાવટ કરે તેવા શબ્દોનો પ્રયોગ થયો હોવાથી ક્ષત્રિય સમાજની લાગણીને ઠેસ પહોંચી છે.ગોવિંદભાઇએ કરેલા આ દુષ્કૃત્ય પાછળનું એક માત્ર કારણ પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનું હોય તેવું જણાઇ આવે છે.તેમના આ પ્રકારના કૃત્યના લીધે અમને સામાજિક,વ્યાવસાયિક અને પારિવારિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે અને અતિશય માનસિક ત્રાસ વેઠવો પડ્યો છે.જેની ભરપાઇ ક્યારેય થઇ શકે તેમ નથી.વાહવાહી મેળવવા માટે થઇને ચારિત્રય અંગે વાહિયાત અને પાયાવિહોણી વાતો કરી,કોઇ પણ જાતના પુરાવા વગર આવી ચેષ્ટા કરી હોઇ,અમારી બદનક્ષી કરવામાં આવી છે.આથી પરિવારે ભોગવવી પડેલી માનસિક યાતના અને સામાજિક પ્રતિષ્ઠાના ધોવાણની નુકસાનીના વળતર પેટે 7 દિવસમાં 50 કરોડનું વળતર ચુકવવામાં આવે અને રીબડામાં યોજાયેલી સભાના વીડિયો કે જે સોશિયલ મીડિયા પર વહેતા થયા છે તેને તાત્કાલિક હટાવી દેવામા આવે તેવું અલ્ટીમેટમ અપાયું છે.