મેડ્રિડ, તા.૫ : સ્પેનિશ કલબ રિયલ મેડ્રિડે આખરી મિનિટોમાં ઉપરા-ઉપરી ત્રણ ગોલ ફટકારીને માંચેસ્ટર સિટી સામેની ચેમ્પિયન્સ લીગની સેમિ ફાઈનલમાં રોમાંચક જીત હાંસલ કરી હતી.માંચેસ્ટર સિટીની ટીમ ૮૯ મિનિટ સુધી ૧-૦થી આગળ હતી અને તેઓ ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં નક્કી મનાતા હતા.જોકે રોડ્રિગોએ ૯૦મી મિનિટે અને ૯૧મી મિનિટે એમ બે મિનિટમાં બે ગોલ ફટકારતાં બાજી પલ્ટી હતી.નિર્ધારિત સમય બાદ ઈન્જરી ટાઈમમાં ૯૫મી મિનિટે બેન્ઝેમાએ પેનલ્ટીને ગોલમાં ફેરવતા રિયલને સેકન્ડ લેગ સેમિ ફાઈનલમાં ૩-૧થી વિજય અપાવ્યો હતો.ફર્સ્ટ લેગ સેમિ ફાઈનલમાં માંચેસ્ટર સિટી ૪-૩થી વિજેતા બન્યું હતુ અને બંને સેમિ ફાઈનલ્સના સ્કોર ભેગા કરતાં રિયલ મેડ્રિડે ૬-૫થી માંચેસ્ટર સિટીને હરાવીને ચેમ્પિયન્સ લીગની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.તાજેતરમાં જ ૩૫મું લા લીગા ટાઈટલ જીતી ચૂકેલી રિયલ મેડ્રિડ કલબ હવે ચેમ્પિયન્સ લીગની ફાઈનલમાં લીવરપૂલ સામે ટકરાશે.જે મેચ ૨૯મી મે ના રોજ પેરિસમાં યોજાશે.
માંચેસ્ટર સિટીએ ફર્સ્ટ લેગની મેચ ૪-૩થી જીતી હતી અને સેકન્ડ લેગની મેચમાં ૭૩મી મિનિટે રિયાદ મેહરાઝના ગોલને સહારે સિટીની કુલ સરસાઈ ૫-૩ થઈ ગઈ હતી.જે પછી રોડ્રિગોએ ઉપરા-ઉપરી બે ગોલ નોંધાવતા રિયલ મેડ્રિડે ઓવરઓલ સ્કોરમાં ૫-૫થી બરોબરી મેળવી હતી.આખરે બેન્ઝેમાએ ફટકારેલો પેનલ્ટી ગોલ નિર્ણાયક સાબિત થયો હતો.મેડ્રિડના ગોલકિપર થિબાઉટ કોઉર્ટોઈસે કેટલાક નિર્ણાયક સેવ કરતાં સિટીને હતાશ કર્યું હતુ.નોંધપાત્ર છે કે, ૨૦૧૮ની ચેમ્પિયન્સ લીગની ફાઈનલમાં રિયલ મેડ્રિડે ૩-૧થી લીવરપૂલને હરાવીને ટાઈટલ જીત્યું હતુ.