અમદાવાદ : શુક્રવાર,3 જુન,2022 : ખેલ મહાકુંભ સહિતના અન્ય કાર્યક્રમો દ્વારા યુવા વર્ગને વિવિધ રમતોમાં તક મળે એ પ્રકારનું આયોજન કરાય છે.બીજી તરફ શહેરના મેમ્કો વિસ્તારમાં આવેલા મ્યુનિ.ના વીર સાવરકર સ્પોર્ટસ સંકુલમાં ચાલતી સ્પોર્ટસ એકિટીવીટીના દરમાં બમણો વધારો કરવા રીક્રીએશન કમિટીમાં નિર્ણય કરાયો છે.કઈ રમત માટે કેટલી રકમનો વધારો કરવામાં આવ્યો એની વિગત આવતીકાલે આપીશ કહી વિગત આપવાનું ચેરમેને ટાળી દીધુ હતું.
ઉત્તરઝોનના મેમ્કો વિસ્તારમાં આવેલા મ્યુનિ.હસ્તકના વીર સાવરકર સ્પોર્ટસ સંકુલમાં ક્રીકેટ,ટેનિસ ઉપરાંત વોલીબોલ,સ્વીમીંગ સહિતના સ્પોર્ટસ એકિટવીટી ચલાવવામાં આવી રહી છે.રીક્રીએશન કમિટીના મળેલી બેઠકમાં આ સ્પોર્ટસ સંકુલમાં ચલાવાતી વિવિધ ૨૧ પ્રકારની એકિટીવીટી માટેના દર દસ વર્ષ પહેલા નકકી કરાયેલા હોઈ દરમાં વધારો કરવા તાકીદની દરખાસ્તને કમિટીએ મંજુરી આપી હતી.
ચેરમેનના કહેવા પ્રમાણે,આ સ્પોર્ટસ સંકુલનો બે હજાર સભ્યો ઉપયોગ કરે છે.વર્ષ-૨૦૨૧-૨૨માં કુલ ૨૭.૯૦ લાખ આવક થવા પામી હતી.ગત વર્ષે આ સંકુલના રીપેરીંગ અને મેઈન્ટેનન્સ પાછળ ૪૩.૬૭ લાખનો ખર્ચ કરાયો હતો.અન્ય ખાનગી રમતગમતના સંકુલોની તુલનામાં આ સ્પોર્ટસ સંકુલની એકિટીવીટીના દર પ્રમાણમાં ખુબ ઓછા હોવાથી ભાવવધારો કરવા દરખાસ્ત મંજુર કરાઈ છે.દરમાં વધારો કરવાના નિર્ણયથી સંકુલની આવકમાં કુલ ૯.૩૦ લાખનો વધારો થશે.પરંતુ કઈ સ્પોર્ટસ એકિટીવીટીના દરમાં કેટલો વધારો કરાયો એ અંગેની વિગત ચેરમેને આવતીકાલે આપીશ કહી વિગત આપવાનું ટાળી દીધુ હતું.


