આ વાત છે બોરીવલીની સોસાયટીના મેમ્બરોની.આમ તો તેમનું બિલ્ડિંગ રીડેવલપમેન્ટમાં ગયું છે,પણ અમુક રહેવાસીઓ બિલ્ડર સાથેના વિવાદને લીધે ઘર ખાલી નહોતા કરતા.એવામાં એક વિંગમાં પિલરનો ભાગ તૂટી પડતાં સુધરાઈએ કર્યું બિલ્ડિંગ સીલ સુધરાઈએ બોરીવલી-પશ્ચિમમાં એક હાઉસિંગ સોસાયટી જર્જરિત શ્રેણીમાં ન હોવા છતાં એના એક પિલરનો ભાગ તૂટી પડતાં ખાલી કરાવી છે.આ બિલ્ડિંગ રીડેવલપમેન્ટમાં ગયું છે,પણ અમુક રહેવાસીઓને વાંધો હોવાથી તેમણે પોતાની જગ્યા ખાલી નહોતી કરી.તેમની વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો અને રહેવાસીઓનું કહેવું છે કે તેમને બિલ્ડર તરફથી કોઈ જવાબ નહોતો મળતો
બોરીવલીના સાંઈબાબાનગર ખાતે આવેલી સાંઈધામ સોસાયટીના રહેવાસીઓએ શુક્રવારે સાંજે‘એફ’વિંગના પિલરમાં મોટી તિરાડ હોવાનું નોંધ્યું હતું.તેમણે બીએમસીને આની જાણ કરતાં સુધરાઈએ તિરાડનું નિરીક્ષણ કર્યા બાદ બિલ્ડિંગનું પાવર અને પાણીનું કનેક્શન કાપી નાખ્યું હતું.ત્યાર બાદ તેમણે બાકી રહેલા રહેવાસીઓને જગ્યા ખાલી કરવા કહ્યું હતું.આને પગલે શનિવારે રહેવાસીઓએ તેમનો સામાન પૅક કર્યો હતો અને બિલ્ડિંગ ખાલી કરીને કાયમ માટે ચાલ્યા ગયા હતા.
બિલ્ડિંગના એક રહેવાસી શ્રેણિક શાહે‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે‘શુક્રવારે સાંજે લગભગ છ વાગ્યે કોઈકે મોટી તિરાડ નોંધતાં રહેવાસીઓમાં ગભરાટ વ્યાપી ગયો હતો.બીએમસીની ટીમે બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું અને તમામ રહેવાસીઓએ તત્કાળ સોસાયટી ખાલી કરી નાખી હતી.અમારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો.હું અને મારી પત્ની મારા મિત્રના ઘરે ગયાં તથા મારા દીકરાને તથા ૮૧ વર્ષનાં મમ્મીને મારા ભાઈના ઘરે મોકલી દીધાં.’
લગભગ ૩૦ વર્ષ કરતાં વધુ જૂના સાંઈધામમાં ભોંયતળિયા સાથે ચાર માળનાં કુલ છ બિલ્ડિંગ છે.બીએમસીએ સ્ટ્રક્ચરલ ઑડિટ માટે સોસાયટીને નોટિસ મોકલી હતી.જોકે સોસાયટીની કમિટીએ કોઈ રિપોર્ટ સબમિટ કર્યો નથી એમ જણાવતાં બીએમસી આર-સેન્ટ્રલ વૉર્ડનાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર નિવૃત્તિ ગોંધાળીએ ઉમેર્યું હતું કે બિલ્ડિંગ બીએમસીની જર્જરિત ઇમારતોની યાદીમાં સમાવિસ્ટ નહોતું.


