કોરોનાની મહામારીમાં લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે,ત્યારે આ મહામારીને અટકાવવા માટે માર્ચના મધ્યથી શાળા કોલેજોને બંધ કરવાનો નિર્ણય સરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે લેવામાં આવ્યો હતો.ત્યારબાદ લોકડાઉન-૧નો પ્રારંભ થતાં સરકારે શાળાઓમાં પરીક્ષાઓ રદ કરીને વિદ્યાર્થીઓને આગળના વર્ગમાં બઢતી આપવાનો નિર્ણય કર્યો હતો,ત્યારે લોકડાઉનમાં વેપારધંધા બંધ હોવાના કારણે મધ્યમ તેમજ ગરીબ વર્ગની હાલત કફોડી બની જવા પામી છે.
સરકારે સૂચના આપી છતાં આદેશને ઘોળીને પી ગયા
જે તે વખતે સરકાર દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે શાળાઓ ફી બાબતે કડક વલણ અપનાવે નહીં અને વાલીઓ પાસેથી ફી માટે દબાણ કરે નહીં.આમ આ પ્રકારે શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હોવા છતાં હવે જ્યારે શાળાઓને શરૂ કરવાનો સમય આવ્યો છે,તે વખતે શાળાઓ દ્વારા ફીની ઉઘરાણી કરવામાં આવતાં વાલીઓ પણ મુંઝવણમાં મુકાયા છે.
અમુક શાળાએ તો ઓનલાઈન અભ્યાસક્રમ પણ શરૂ કરી દીધો
ઘણી શાળાઓએ તો ઓનલાઈન અભ્યાસક્રમ શરૂ કરીને સત્રનો પ્રારંભ કરી દીધો હોય તે પ્રકારે વિદ્યાર્થીઓની હાજરી પણ પુરી રહયા છે.ત્યારે અનલોક-૧માં રાજય સરકારે શાળાઓને ખોલવાનો તો નિર્ણય કર્યો છે,પરંતુ ફકત ટીચીંગ સ્ટાફને જ હાજર રહેવાની મંજુરી આપવામાં આવી છે જયારે શાળાઓ વિદ્યાર્થીઓ બોલાવી શકાશે નહીં તેવું પણ જણાવ્યું છે.આમ લોકડાઉનના પગલે અનેક પરિવારો હાલમાં આર્થિક મહામારીનો સામનો કરી રહયા છે, ત્યારે શાળાઓ દ્વારા ફીની ઉઘરાણી કરવામાં આવતાં વાલીઓની હાલત પણ કફોડી બની જવા પામી છે.રાજય સરકાર દ્વારા પણ લોકડાઉનમાં જે સૂચનાઓ શાળા સંચાલકોને આપી હોય તેને પણ ઘોળીને પી ગયા હોય તેમ ફી ઉઘરાણી કરી રહયા છે તેનાથી વાલીઓમાં પણ સંચાલકો વિરૃધ્ધ રોષ ઉભો થયો છે.પ્રથમ ત્રણ માસની ફી માટે દબાણ નહીં કરવાનું પણ સરકારે જણાવ્યું હતું છતાં હાલમાં જે પ્રકારે મેસેજ મોકલવામાં આવી રહયા છે તેના પગલે વાલીઓ પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે.હવે સોમવારથી શાળાઓ તો વિદ્યાર્થીઓ વગર શરૂ થશે અને વાલીઓ જ્યારે મુલાકાત લેશે ત્યારે જ ખબર પડશે કે ફી માટે દબાણ કરવામાં આવી રહયું છે નહીં.


