સુરત : લૉકડાઉનને કારણે હાલ રાજ્યના લોકો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ શકતા નથી. અમુક કેસમાં મંજૂરી સાથે જવાની છૂટ આપવામાં આવે છે. પરંતુ લૉકડાઉનને કારણે મોટી સંખ્યામાં મજૂરો કે નોકરી માટે બીજા શહેરમાં ગયેલા લોકો ફસાયા છે. સૌથી વધારે ખરાબ હાલત સુરતમાં રત્નકલાકારોની છે.સુરતમાં પરપ્રાંતીય મજૂરોને તેમના વતન જવા દેવાની છૂટ આપવામાં આવ્યા બાદ રત્નકલાકારો વતન જવા દેવાની ઉગ્ર માંગણી કરી રહ્યા છે. જેના અનુસંધાને સોમવારે આરોગ્ય મંત્રી કિશોર કાનાણીએ જાહેરાત કરી હતી કે સરકાર તરફથી આ અંગેની છૂટ આપવામાં આવી છે, પરંતુ રત્નકલાકારો કેવી રીતે જઈ શકશે તે અંગે વિગતે ચર્ચા માટે મંગળવારે બેઠક થશે.આ બાબતે આજે મંગળવારે રાજ્ય સરકારના મંત્રી ગણપત વસાવા એ જાહેરાત કરતા લૉકડાઉનમાં ફસાયેલા લોકો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ શકાશે તેમ કહ્યું હતું.જોકે,આ માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે.આ ઉપરાંત અમુક નિયમોનું પણ પાલન કરવું પડશે.
ઓનલાઇન નોંધણી થશે
ગુજરાત સરકારના મંત્રી ગણપત વસાવાના જણાવ્યા પ્રમાણે બુધવારથી જે તે જિલ્લાના કલેક્ટર વતન જવા માંગતા લોકોની નોંધણી શરૂ કરશે.જે બાદમાં ગુરુવારથી ફસાયેલા લોકો મંજૂરી સાથે તેમના વતનમાં જઈ શકશે.એટલે કે ગુજરાતમાં મંજૂરી સાથે સાતમી મેથી આંતર જિલ્લા પ્રવાસની છૂટ આપવામાં આવશે.
ફક્ત ખાનગી બસોને મંજૂરી
મંત્રી ગણપત વસાવાના જણાવ્યા પ્રમાણે, “આજ રોજ મારી, મંત્રી કુમાર કાનાણી, જિલ્લા કલેક્ટર, તેમજ ગાંધીનગરથી નિમણૂક થયેલા અધિકારી મહેન્દ્ર પટેલ વચ્ચે એક બેઠક થઈ હતી. આ બેઠક બાદ એવો નિર્ણય લેવાયો છે કે જે રીતે પરપ્રાંતીય મજૂરોને તેમના વતન જવાની છૂટ આપવામાં આવી છે તેવી જ રીતે ગુજરાતમાં આંતર જિલ્લામાં જવાની છૂટ આપવામાં આવશે.આ માટે બુધવારથી જે તે જિલ્લા કલેક્ટર નોંધણી શરૂ કરશે.શરૂઆતના તબક્કામાં ફક્ત ખાનગી બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ માટે વધારે વિગત કલેક્ટર તરફથી બહાર પાડવામાં આવશે.”
વતન મોકલતા પહેલા મુસાફરોનું સ્ક્રિનિંગ થશે
મંત્રી ગણપત વસાવાના જણાવ્યા પ્રમાણે મુસાફોના સ્ક્રિનિંગ બાદ જ બસને રવાના થવાની મંજૂરી અપાશે. એટલું જ નહીં નોંધણી કરાવ્યા બાદ મુસાફરોની યાદી જે તે જિલ્લાના કલેક્ટરને મોકલવામાં આવશે.તેમની સૂચના પ્રમાણે જ અને એટલા જ મુસાફરોને બસો મારફતે મોકલવામાં આવશે. જે તે જિલ્લામાં બસ પ્રવેશ કરશે ત્યાં પણ તમામ લોકોનું સ્ક્રિનિંગ થશે.
મંજૂરી વગર બહાર નીકળવું નહીં
મંત્રી ગણપત વસાવાએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કહ્યું છે કે મંજૂરી હશે તેને જ આંતરરાજ્ય મુસાફરીની છૂટ આપવામાં આવશે.આ ઉપરાંત ફક્ત લક્ઝરી બસોને જ છૂટ આપવામાં આવી છે આ અંગે વિગતવાર માર્ગદર્શિકા પણ હવે આવશે એટલે કોઈએ ઉતાવળમાં આવીને કોઈ એવું પગલું ન ભરવું જેનાથી અધવચ્ચે પરેશાન થવાનો વારો આવે.જ્યાં સુધી સરકાર આ અંગેની માર્ગદર્શિકા જાહેર ન કરે ત્યાં સુધી ધીરજ રાખવા લોકોને અપીલ કરવામાં આવી છે.
વતન જવા ઇચ્છુક લોકોની અરજીઓ આવતીકાલથી સ્વીકારવામાં આવશે
પોતાના વતન જનારા તમામ લોકોએ વતન જઇને ફરજીયાત 14 દિવસ માટે હોમ ક્વોરન્ટીન રહેવું પડશે.સુરતમાં વસતા રત્નકલાકારોને તેમના વતન સૌરાષ્ટ્ર મોકલવા માટે કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો.બેઠકમાં સૌરાષ્ટ્ર સમાજના આગેવાનો, સુરત ડાયમંડ એસોસિયેશન પ્રમુખ તેમજ રાજ્ય સરકારના ખાસ અધિકારી ઉપરાંત પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા.


