સુરત : સુરતના લસકાણા ડાયમંડ નગર ગેટ પાસેનો પેટ્રોલ પંપ વર્ષ 2007 માં શરૂ થયો ત્યારથી ત્યાં જનરલ મેનેજર નોકરી કરતા મહીસાગરના રહીશે રૂ.95 લાખની ઉચાપત કરી ઉછીના લીધેલા રૂ.5 લાખ પણ પરત નહીં કરતા 10 મહિના અગાઉ ફરિયાદ નોંધાઈ હતી.આર્થિક ગુના નિવારણ શાખાએ આ ગુનામાં ગતરોજ તેમની ધરપકડ કરી સરથાણા પોલીસને સોંપ્યા હતા.
આર્થિક ગુના નિવારણ શાખાના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લસકાણા ડાયમંડ નગર ગેટ પાસેનો પેટ્રોલ પંપ વર્ષ 2007 માં શરૂ થયો ત્યારથી ત્યાં જનરલ મેનેજર નોકરી કરતા મહીસાગરના રહીશ જગદીશકુમાર રામશંકર જોષી(રહે.202,વૃંદાવન એપાર્ટમેન્ટ,હરીનગર 2,ઉધના,સુરત.મૂળ રહે.પાંડરવાડા,તા.ખાનપુર,જી.મહીસાગર)એ એપ્રિલ 2018 થી લગભગ રોજ થોડીથોડી રકમની ઉચાપત કરી 17 મહિનાના સમયગાળામાં કુલ રૂ.94.67 લાખની ઉચાપત કરી હતી.
તેમજ ઓક્ટોબર 2018 માં મકાન લેવા માટે પેટ્રોલ પંપના માલિક મહાવીરસિંહ જાડેજા પાસેથી ઉછીના લીધેલા રૂ.5 લાખ છ મહિનામાં પરત કરવાનો વાયદો કરી તે રકમ પણ પરત નહીં કરી જાન્યુઆરી 2020 થી નોકરીએ આવવાનું બંધ કરી દીધું હતું.કુલ રૂ.99,66,831 પરત નહીં કરનાર જગદીશકુમાર વિરુદ્ધ મહાવીરસિંહે ગત 4 ઓગષ્ટ 2021 ના રોજ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.આર્થિક ગુના નિવારણ શાખાએ આ ગુનામાં નાસતા ફરતા જગદીશકુમાર રામશંકર જોષી(ઉ.વ.50)ની ગતરોજ ધરપકડ કરી તેમનો કબજો સરથાણા પોલીસને સોંપ્યો હતો.