સુરત : મે.રામેશ્વરમ ઈન્ટરનેશનલ પ્રા.લિ.સહિત અન્ય ચાર પેઢીઓમાં માલ સપ્લાય કર્યા વિના બોગસ પેઢીઓના નામે બીલીંગ કૌભાંડ.મે.રામેશ્વરમ ઈન્ટરનેશનલ પ્રા.લિ સહિત અન્ય ચાર જેટલી પેઢીઓમાં બોગસ બીલીંગના આધારે કુલ રૃ.3.89 કરોડની આઈટીસી ઉસેટીને સીજીએસટી એક્ટનો ભંગ કરનાર શકદાર સંચાલક સાહિલ અગ્રવાલની ધરપકડ કરી ડીજીજીઆઈએ આજે સુરતની સીજીએમ કોર્ટમાં રજુ કરી 14 દિવસના જ્યુડીશ્યલ રિમાન્ડની માંગ કરતાં કોર્ટે શકદારને જેલ કસ્ટડીમાં મોકલવા નિર્દેશ આપ્યો છે.
ડીરેકટોરેટ જનરલ ઓફ ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષ ઈન્ટેલિઝન્સ(ડીજીજીઆઈ)ના સીનીયર ઈન્ટેલિઝન્સ ઓફિસર ચંદનકુમારે મે.રામેશ્વરમ,મે.બનવારી,મે.ગીરધારી તથા મે.રાધા માધવ ઈન્ટરનેશનલ પ્રા.લિ.ના શકદાર સંચાલક સાહીલ કમલ અગ્રવાલે ચારેય પેઢીઓના નામે જીએસટી નંબર મેળવીને બોગસ પેઢીઓ મારફતે માલ સપ્લાય કર્યા વિના બોગસ બીલીંગના આધારે કરોડો રૃપિયાની આઈટીસી ઉસેટી હોવાની આશંકાના આધારે તપાસ હાથ ધરી હતી.જે દરમિયાન મે.રામેશ્વરમ ઈન્ટરનેશનલ સહિત ઉપરોક્ત ચારેય પેઢીઓને મે.વીઆર સેલ્સ,મે.એસ.એસ.એન્ટપ્રાઈઝ,મે.ગૌતમ એન્ટરપ્રાઈઝ વગેરે બોગસ પેઢીઓએ માલ સપ્લાય કર્યા વિના બોગસ બિલો જનરેટ કરીને શકદાર સાહીલ અગ્રવાલે અંદાજે રૃ.3.89 કરોડની આઈટીસી ખોટી રીતે ઉસેટી હોવાનું તપાસમાં ખુલવા પામ્યું હતુ.શકદાર સંચાલકે પોતાના નિવેદનમાં તા.13મી એપ્રિલે કબુલાત કરી હતી.
તદુપરાંત ઉપરોક્ત ચારેય પેઢીઓના મુખ્ય સપ્લાયર્સ મે.રામ એન્ટરપ્રાઈઝ,મે.કે.ડી.ક્રિએશન,મે.શક્તિ યાર્ન પ્રા.લિ.દર્શાવવામાં આવ્યા હતા.જે પૈકી મેે.રામ એન્ટરપ્રાઈઝ દર્શાવવામાં આવેલા સ્થળે અસ્તિત્વ ધરાવતી નહોતી.જ્યારે અન્ય સપ્લાયર્સ પેઢીઓએ વાસ્તવિક રીતે માલ સપ્લાય કર્યા વિના બોગસ બીલો ઈસ્યુ કર્યા હતા.જેના આધારે શકદાર સાહિલ અગ્રવાલે સંભવતઃ 8.13 કરોડની આઈટીસી ઉસેટી હોવાની કબુલાત કરી છે.અગાઉ ચારથી વધુવાર સ્ટેટમેન્ટ માટે ડીજીજીઆઈના સમન્સને નહીં ગાંઠનાર શકદાર સાહીલ અગ્રવાલની ધરપકડ કરી ડીજીજીઆઈએ કોર્ટમાં રજુ કર્યો હતો.જેની સુનાવણી દરમિયાન ડીજીજીઆઈ તરફે ખાસ નિયુક્ત સરકારી વકીલ ધર્મેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું હતું કે હાલમાં શકદાર વિરુધ્ધ કરોડો રૃપિયાની આઈટીસી ઉસેટીને દેશના અર્થતંત્રને નુકશાન પહોંચાડવાના ગુનાની પ્રારંભિક તપાસ ચાલુ છે.જેથી શકદારને 14 દિવસના જ્યુડીશ્યલ રિમાન્ડની સરકારપક્ષે માંગ કરી હતી.

