કોરોનાની મહામારીને કારણે સુરતનું તંત્ર રોજબરોજ બરાડા પાડી રહ્યું છે કે,સોશિયલ ડીસ્ટન્સીંગ જાળવો,માસ્ક પહેરો.અને વરાછા,કતારગામ જેવા વિસ્તારોમાં કોરોનાના સંક્રમણને રોકવા કડક પગલાં લેવાઇ રહ્યા છે,સામાન્ય માણસોને નિયમો નહીં પાળવા બદલ દંડ ભરવો પડે છે.તેવા સમયે તાજેતરમાં જ પ્રદેશ ભાજપ પ્રમુખ બનેલા સી.આર.પાટીલના સ્વાગત અને રેલીનો ચારેકોર વિરોધ થઇ રહ્યો હતો.લોકો સોશિયલ મિડીયા પર કોમેન્ટ કરી રહ્યા હતા કે શું નિયમો માત્ર સામાન્ય માણસો માટે જ છે?.સી.આર.ની રેલીનો રાજકીય વિરોધ પણ જોરશોરથી થયો હતો.કોંગ્રેસે હાર્દિક પટેલની રેલી કાઢવા માટે પરવાનગી માંગી હતી.જો કે સી.આર.પાટીલે પોતાની સુઝબુઝ બતાવીને સમય પારખીને રેલી તો રદ્દ કરી છે,પરંતુ તેમણે એવી પણ જાહેરાત કરી કે ભવિષ્યમાં કાર્યકરોને,સમર્થકોને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મળવાનું તેમજ તેમની સાથે વાતચીત કરવાનું આયોજન કરવામાં આવશે.જો કે કેટલાંક લોકોનું કહેવું હતું કે આ પહેલાં જ વિચાર્યુ હતે તો લાખો રૂપિયા અને માનવ કલાકો બચી જતે.સી.આર.પાટીલના સ્વાગતની રેલી થશે કે નહીં તે નક્કી નહોતું એટલે પોલીસનો મોટો કાફલો પણ વાલક પાટિયા પાસે ખડકી દેવામાં આવ્યો હતો.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા પછી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળવા દિલ્હી ગયા હતા.પ્રદેશ પ્રમુખ બન્યા પછી પાટીલ પહેલીવાર સુરત આવી રહ્યા હોવાથી સુરત શહેર ભાજપે તેમના સ્વાગત અને ભવ્ય રેલીનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. સી.આર.પાટીલ દિલ્હીથી વડોદરા વિમાન મારફતે આવ્યા બાદ વડોદરાથી બાય રોડ કામરેજ વાલક પાટીયા પહોંચવાના હતા અને એક હજારથી વધુ કાર રેલી કાઢવાનું નક્કી કરવામાં આવ્યું હતું.સી.આર.પાટીલના સ્વાગત માટે ભાજપના ધારાસભ્યો સંગીતા પાટીલ,હર્ષ સંઘવી,પૂર્ણેશ મોદી,ઝંખના પટેલ સહીતના હાજર હતા.સુરત શહેર ભાજપ પ્રમુખ નિતીન ભજિયાવાળા સહીત અનેક કોપોર્રેટર અને કાર્યકતાઓની ભીડ સવારે 11 વાગ્યાથી જ ભેગી થઇ ગઇ હતી.બપોરે 2 વાગ્યા સુધી ભીડ વાલક પાટીયા પાસે જ હતી,પણ સી.આર.પાટીલ પહોંચ્યા નહોતા.લગભગ 2 વાગ્યા પછી જાહેરાત થઇ કે રેલી રદ્દ કરવામાં આવી છે ત્યાર પછી ભીડ વિખેરાઇ ગઇ હતી.
મોડેથી સુરત પહોંચેલા સી.આર.પાટીલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે,ભાજપા સુરત મહાનગર તેમજ સુરતના ભાજપાના ધારાસભ્યઓ તેમજ સમર્થકો દ્વારા આજરોજ કાર રેલી દ્વારા સ્વાગત કરવાનું નક્કી થયેલ હતું.સોશિયલ ડીસ્ટન્સીંગ ના તમામ નિયમોનું પાલન થાય તે પ્રમાણે મર્યાદિત સંખ્યામાં કાર્યકરો આવે તે મુજબની જ સુચના અપાઇ હતી.પરંતુ કાર્યકરોનો,સમર્થકોનો જે પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો છે તે જોતા ધાર્યા કરતા વધુ સંખ્યામાં કાર્યકરો સમર્થકો સ્વાગત માટે આવી રહ્યા છે તેથી કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ રેલી રદ્દ કરવાનો નિર્ણય લેવો પડયો છે.
પાટીલે જણાવ્યું હતું કે, કાર્યકર્તાઓનો,સમર્થકોનો પ્રેમ-લાગણી સર આંખો પર પરંતુ કોરોના મહામારી વચ્ચે અમે સહેજ પણ જોખમ લેવા ઇચ્છતા નથી.ભવિષ્યમાં કાર્યકરોને,સમર્થકોને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મળવાનું તેમજ તેમની સાથે વાતચીત કરવાનું આયોજન કરવામાં આવશે.
સુરત પોલીસ કમિશ્નર આર.બી બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે સી.આર.પાટીલનો રેલી રદ્દ કરવાનો નિર્ણય આવકાર્ય છે.પ્રવર્તમાન સમયમાં રેલી રદ્દ કરવાનું તેમનું પગલું યોગ્ય છે.અમે પોલીસનો કાફલો ગોઠવી દીધો હતો,પરંતુ રેલી રદ્દ થવાની જાહેરાત થતા તરત કાફલો પાછો ખેંચી લેવાયો હતો.


