અમદાવાદ : તા.30 મે 2022, સોમવાર : ગુજરાતમાં રેશનકાર્ડ ધારકોને અપાતા ઘઉંના જથ્થામાં સરકાર દ્વારા ઘટાડો કરી દવામાં આવ્યો છે.’નેશનલ ફુડ સિક્યુરિટી એક્ટ’ હેઠળ આવતા કાર્ડધારકોને પહેલા વ્યક્તિદીઠ ૩.૫૦ કિલો ઘઉં મળતા હતા જે હવેથી ફક્ત ૨ કિલો ઘઉં જ અપાશે.જ્યારે અત્યોદય કાર્ડધારકોને પહેલા કાર્ડદીઠ ૨૫ કિલો ઘઉં મળતા જે જેમાં ૧૦ કિલોનો ઘરખમ ઘટાડો કરી દેવામાં આવ્યો છે.
આમ હવે જુન માસથી રાજ્ય સરકાર તરફથી મળતા રાહતદરના ઘઉં અને કેન્દ્ર સરકાર તરફથી મળતા મફત ઘઉંના વિતરણ જથ્થામાં ઘટાડો કરી દેવાતા લાખો પરિવારોના ઘરોમાં ઘઉંની તંગી સર્જાશે. વિદેશમાં ઘઉંના નિકાસની વાતો વચ્ચે હાલ સ્થિતિ એ આવી ગઇ છેકે દેશમાં વસતા ગરીબ પરિવારોને મળતા ઘઉંના જથ્થામાં પણ સરકારે કાપ મુકવો પડયો છે.
આવી સ્થિતિ ઇતિહાસમાં પહેલી વખત જ સર્જાઇ હોવાનું મનાઇ રહ્યું છે.અમદાવાદ શહેરમાં ૩.૧૦ લાખ એનએફએસએ કાર્ડધારકો છે.આ કાર્ડ પર ૧૭ લાખથી વધુ લોકોને સરકાર દ્વારા ઘઉં,ચોખા અપાઇ રહ્યા છે.ગત મે માસથી ઘઉંના જથ્થામાં સરકારે કાપ મુકવાનો શરૂ કર્યો છે. રેશનિંગની દુકાનોમાં ઘઉંનો જથ્થો ઓછો મળતા કાર્ડધારકો અને દુકાનદારો વચ્ચે ઘર્ષણના પણ બનાવ બન્યા હતા.ખાસ કરીને પૂર્વ અમદાવાદમાં નરોડાથી નારોલ સુધીના પટ્ટામાં મજુર વર્ગ રહે છે.ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો રેશનિંગના અનાજ પર નભી રહ્યા છે.
છૂટક મજુરી,કારખાનામાં કામ કરવું,રિક્ષા ચલાવવી,પાથરણા,લારી-ગલ્લા પર રોજી રોટી મેળવવી તેમજ નાની-મોટી નોકરી કરીને પરિવારના પાલન કરનારો વર્ગ મોટો છે.ચાલીઓ,ઝૂંપડપટ્ટીઓ,સરકારી આવાસોમાં તેમજ ભાડાના મકાનોમાં રહેનાર વર્ગ માટે સરકારી અનાજ ઘરમાં બે ટંકનો રોટલો પુરો પાડે છે.તેવામાં સરકારે ઘઉંના વિતરણ જથ્થામાં ઘટાડો કરી દેતા આ પરિવારો હાલાકીમાં મુકાઇ ગયા છે.સવારે ચા-નાસ્તાથી માંડીને બપોરનું ભોજન અને સાંજનું વાળુ કરવું હોય તેમાં રોટલી,ભાખરી,વઘારેલી રોટલી દરેક ઘરમાં અવશ્ય જોવા મળે છે.ઘઉંનું ચલણ વધુ હોય છે આ સંજોગોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે ઘઉંના જથ્થામાં કાપ મુકી દેતા આ પરિવારો મુંઝવણમાં મુકાઇ ગયા છે.


