લખનઉ : યુપી ઇન્વેસ્ટર્સ સમિટના ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહમાં પીએમ મોદીએ કહ્યું કે,રોકાણકારોએ યુપીની યુવા શક્તિ પર વિશ્વાસ કર્યો.યુપીના યુવાનોમાં તમારા સપના અને સંકલ્પોને નવી ઊંચાઈ અને નવી ઉડાન આપવાની શક્તિ છે.તમે લોકો બહુ વ્યસ્ત છો,પણ થોડો સમય કાઢી મારી કાશીની મુલાકાત લો.કાશી ઘણી બદલાઈ ગઈ છે.
તેમણે કહ્યું કે,ગયા વર્ષે વિશ્વના 100થી વધુ દેશોમાંથી 84 બિલિયન ડોલરનું રેકોર્ડ એફડીઆઈ આવ્યું છે.અમે સૌથી ઝડપથી વિકસતા G20 અર્થતંત્રોમાંના એક છીએ.આજે ભારત વૈશ્વિક રિટેલ ઈન્ડેક્સમાં બીજા નંબરે છે.ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉર્જા ઉપભોક્તા દેશ છે.અમે અમારા સુધારા સાથે ભારતને એક રાષ્ટ્ર તરીકે મજબૂત કરવાનું કામ કર્યું છે.વન નેશન વન ટેક્સ GST,વન નેશન વન ગ્રીડ,વન નેશન વન મોબિલિટી કાર્ડ,વન નેશન વન રેશન કાર્ડ,આ પ્રયાસો અમારી નક્કર અને સ્પષ્ટ નીતિઓનું પ્રતિબિંબ છે.
આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ અમે ખૂબ હિંમતથી નિર્ણય કર્યો છે,અમે 300 વસ્તુઓને ચિહ્નિત કરી છે અને નક્કી કર્યું છે કે આ 300 વસ્તુઓ હવે વિદેશથી નહીં આવે.2014માં આપણા દેશમાં ફક્ત 65 મિલિયન બ્રોડબેન્ડ ગ્રાહકો હતા,આજે તેની સંખ્યા વધીને 78 કરોડથી વધુ થઈ ગઈ છે.2014માં 1GB ડેટાની કિંમત લગભગ 200 રૂપિયા હતી,આજે તેની કિંમત ઘટીને 11-12 રૂપિયા થઈ ગઈ છે.આજે વિશ્વના લગભગ 40% ડિજિટલ વ્યવહારો ભારતમાં થઈ રહ્યા છે.


