મુંબઈ : સપ્તાહના અંતિમ દિવસે આજે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેર બજારોમાં તેજીના મહારથીઓએ ફંડોના સથવારે આઈટી-સોફટવેર સર્વિસિઝ,ટેકનોલોજી શેરો અને બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીએ ફરી ઈન્ડેક્સ બેઝડ તેજીનું તોફાન મચાવ્યું હતું. મે વલણના ગઈકાલે અંત સાથે નિફટી બેઝડ મંદીનો વેપાર સરખો કરવાની શરૂઆત કર્યા બાદ નિફટીના મહા ખેલાડીએ ફંડોના સથવારે આજે મોટો વેપાર સરખો કરતાં અને ખાસ આઈટી-સોફટવેર શેરોમાં ફરી તેજીમાં આવી ગયાની ચર્ચા વચ્ચે બજારમાં તોફાની તેજી જોવાઈ હતી.આ સાથે ફંડોએ આજે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં વધુ શોર્ટ કવરિંગ સાથે તેજી કરતાં સેન્સેક્સ ૬૩૨.૧૩ પોઈન્ટની છલાંગે ૫૪૮૮૪.૬૬ અને નિફટી સ્પોટ૧૮૨.૩૦ પોઈન્ટ ઉછળીને ૧૬૩૫૨.૪૫ બંધ રહ્યા હતા.ફંડોએ આ સાથે આજે ઓટોમોબાઈલ,કેપિટલ ગુડઝ-પાવર,હેલ્થકેર,કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પસંદગીની તેજી કરી હતી.ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ આજે વધ્યામથાળે અથડાતાં રહી સાંજે બ્રેન્ટ ક્રુડ ૩૮ સેન્ટ ઘટીને ૧૧૭.૦૨ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૭૬ સેન્ટ ઘટીને ૧૧૩.૩૩ ડોલર નજીક રહ્યા હતા.
આઈટી-સોફટવેર સર્વિસિઝ,ટેકનોલોજી શેરોમાં મંદીનો મોટો વેપાર સરખો કરીને ફંડો,તેજીના મહારથીઓ ફરી તેજીમાં આવ્યાની ચર્ચા વચ્ચે આજે બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૬૭૬.૦૧ પોઈન્ટ વધીને ૨૯૧૨૨.૩૭ બંધ રહ્યો હતો.ઈન્ડિયામાર્ટ રૂ.૩૨૮.૦૫ વધીને રૂ.૪૫૧૬.૮૦,આર સિસ્ટમ્સ રૂ.૧૨.૬૦ વધીને રૂ.૨૧૪.૧૫,એચસીએલ ટેકનોલોજી રૂ.૨૨.૮૦ વધીને રૂ.૧૦૦૩.૯૦,ટીસીએસ રૂ.૩૩.૬૦ વધીને રૂ.૩૨૬૨.૨૦ રહ્યા હતા.શેરોમાં હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો,ફંડો,ખેલંદાઓની ઘટાડે ખરીદી વધતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૬૩ લાખ કરોડ વધીને રૂ.૨૫૩.૧૩ લાખ કરોડ પહોંચ્યું હતું.આમ બે દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ.૩.૮૬ લાખ કરોડનો વધારો થયો છે.