સુરત : સરથાણાના ટ્રાન્સપોર્ટરને મહારાષ્ટ્ર-પૂણે ખાતે હેડ ઓફિસ ધરાવતી ફોક્સોરેક્સ કંપનીમાં રોબોટ દ્વારા ઓટો ટ્રેડીંગ થકી રોકાણના 20 થી 25 ટકા વળતરની લાલચ આપી રૂ.15.50 લાખનું રોકાણ કરાવી વળતર પેટે માત્ર રૂ.76 હજાર ચુકવી રૂ.14.74 લાખ પરત નહીં આપી વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ સાયબર ક્રાઇમમાં નોંધાય છે.સરથાણા જકાતનાકાની ઓમ રેસીડન્સીમાં રહેતા ટ્રાન્સપોર્ટર સંજય ધીરૂભાઇ પોકળ(ઉ.વ.36 મૂળ રહે.બાડપર,જિ.રાજકોટ)પર ગત માર્ચ મહિનામાં અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો.કોલ કરનારે પોતાની ઓળખ ફોક્સોરેક્સ કંપનીમાંથી આરોહી મહેતા તરીકે આપી અમારી કંપનીમાં રોબોટ ઓટો ટ્રેડીંગ કરે છે અને રોકાણના 20થી 25 ટકા રીટર્ન મળશે.
ઉંચા વળતરની લાલચમાં આવી સંજય રોકાણ કરવા તૈયાર થતા આરોહીએ બ્રાંચ મેનેજર હિતેન્દ્ર રાયજાડાનો સંર્પક કરાવ્યો હતો.હિતેન્દ્રએ રોકાણની સ્કીમ સમજાવી જે વળતર મળશે તેમાંથી 10 ટકા કંપનીને પરત કરવાના રહેશે એમ કહેતા સંજયે રૂ.3.50 લાખનું રોકાણ કર્યુ હતું.હિતેન્દ્રે સંજયનું એકાઉન્ટ ઓપન કરી તેના સ્ક્રીનશોર્ટ પણ મોકલાવ્યા હતા.એકાઉન્ટ ઓપન કર્યાના ગણતરીના દિવસોમાં સંજયને થયેલા નફા સામે બે ટુક્ડામાં 1 હજાર ડોલર એટલે કે રૂ.76 હજાર સંજયે વિડ્રોલ કર્યા હતા.ઉંચા વળતરની લાલચમાં આવી હિતેન્દ્રએ 50 હજાર ડોલરનું રોકાણ કરશો તો 60 થી 80 ટકા ફાયદો થશે તેમ કહેતા સંજયે રૂ. 12 લાખનું રોકાણ કર્યુ હતું.
જેના બે દિવસમાં જ એકાઉન્ટમાં રૂ.70.91 લાખની બેલેન્સ જોવા મળતા સંજયે 35 હજાર ડોલર એટલે કે રૂ.26.25 લાખના વિડ્રોલ માટે રીકવેસ્ટ મોકલી હતી.પરંતુ કંપનીએ રીકવેસ્ટ કેન્સલ કરતા સંજયે હિતેન્દ્રનો અને ત્યાર બાદ કંપનીના મેઇન મેનેજર રાહુલ રાજપુરોહિતનો સંર્પક કર્યો હતો.પરંતુ બંનેએ 10 હજાર ડોલર(રૂ.7.50 લાખ) નું રોકાણ કરવું પડશે ત્યાર બાદ નફાની રકમ ટુક્ડે-ટુક્ડે તમારા બેંક એકાઉન્ટ અથના આંગડિયાથી મોકલી આપશે એમ કહ્યું હતું.ત્યાર બાદ અચાનક જ હિતેન્દ્ર અને રાહુલનો મોબાઇલ નંબર બંધ થઇ ગયો હતો અને કંપનીમાંથી તેનું એકાઉન્ટ પણ ડિલીટ થઇ ગયું હતું.જયારે હિતેન્દ્રે લોકેશન શેર કરી કંપનીનું જે સરનામું આપ્યું હતું ત્યાં સંજય પહોંચ્યો ત્યારે ત્યાં ફોક્સોરેક્સ નામની કોઇ કંપની જ ન હતી.જો કે પોલીસને રોકાણના નામે ઠગાઇ કરનાર ટોળકીનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે અને આ અંગેની સત્તાવાર જાહેરાત સોમવારે કરશે.