મુંબઈ, તા.૨૪ : રાહુલની અણનમ ૧૦૩ રનની કેપ્ટન્સ ઈનિંગ તેમજ બોલરોના અસરકારક દેખાવને સહારે લખનઉ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને વધુ ફટકો પહોંચાડતા ૩૬ રનથી જીત હાંસલ કરી હતી.મુંબઈની ટીમ સતત આઠમી મેચ હારતાં તેની પ્લે ઓફની તમામ સંભાવનાઓ પણ ખતમ થઈ ગઈ હતી.આઇપીએલના ઈતિહાસમાં શરૃઆતની આઠ મેચ હારનારી તે સૌપ્રથમ ટીમ બની હતી.જીતવા માટેના ૧૬૯ રનના ટાર્ગેટ સામે મુંબઈ ૮ વિકેટે ૧૩૨ રન જ કરી શક્યું હતુ.કૃણાલ પંડયાએ ૧૯ રનમાં ૩ વિકેટ મેળવી હતી.જીતવા માટેના ૧૬૯ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા મુંબઈને ઇશાન કિશન અને રોહિત શર્માએ ખુબ જ ધીમી શરૃઆત અપાવી હતી.બંનેએ ૪૩ બોલમાં ૪૯ રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.કિશન ૨૦ બોલમાં ૮ રને બિશ્નોઈનો શિકાર બન્યો હતો.જે પછી મોહસીને બ્રેવિસ (૩)ને પેવેલિયનમાં પાછો મોકલ્યો હતો.કૃણાલ પંડયાએ રોહિત શર્માના (૩૧ બોલમાં ૩૯)ના સંઘર્ષનો અંત આણ્યો હતો.જે પછી બિશ્નોઈએ સૂર્યકુમાર (૭)ને સસ્તામાં આઉટ કરતાં મુંબઈની ટીમ ૪૯/૦થી ૬૭/૪ પર ફસડાઈ હતી.
તિલક વર્મા (૨૭ બોલમાં ૩૮) અને પોલાર્ડ (૨૦ બોલમાં ૧૯ રન)ની જોડીએ ૩૯ બોલમાં ૫૭ રન જોડતા જીતની આશા જીવંત રાખી હતી.જોકે હોલ્ડરે તિલકને આઉટ કરીને મુંબઈને ફટકો પહોંચાડયો હતો.મુંબઈને ૧૮ બોલમાં ૫૦ રનની જરુર હતી, ત્યારે હોલ્ડરે માત્ર ૬ રન આપીને તિલકની વિકેટ ઝડપી હતી.જે પછી ૧૨ બોલમાં મુંબઈને ૪૪ રનની જરુર હતી, ત્યારે ચામીરાએ માત્ર પાંચ જ રન આપ્યા હતા.આખરી છ બોલમાં મુંબઈને ૩૯ રન કરવાના હતા.ત્યારે કૃણાલ પંડયાએ માત્ર બે જ રન આપ્યા હતા.જ્યારે મુંબઈએ ત્રણ વિકેટ ગુમાવી હતી.
લખનઉના કેપ્ટન કે.એલ. રાહુલે શાનદાર દેખાવ જારી રાખતા સિઝનની બીજી સદી સાથે મુંબઈ સામે અણનમ ૧૦૩ રન ફટકાર્યા હતા.જોકે રાહુલને સામેના છેડેથી પુરતો સાથ મળી શક્યો નહતો અને મુંબઈના બોલરોએ અસરાકારક દેખાવ કરતાં લખનઉના બેટ્સમેનોને પરેશાન કર્યા હતા.આખરે તેઓ ૨૦ ઓવરના અંતે છ વિકેટે ૧૬૮ રન સુધી પહોંચી શક્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ લખનઉને બેટીંગમાં ઉતાર્યું હતુ. રાહુલે જબરજસ્ત દેખાવ કરતાં ૧૨ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે અણનમ ૧૦૩ રન ફટકાર્યા હતા.બુમરાહે લખનઉના ડેન્જરસ ઓપનર ડી કૉકને માત્ર ૧૦ રને પેવેલિયન ભેગો કર્યો હતો.રાહુલ અને મનીષ પાંડે (૨૨)ની જોડીએ ૪૭ બોલમાં ધીમી બેટીંગ કરતાં ૫૮ રનની ભાગીદારી કરી હતી.જોકે પોલાર્ડે મનીષ પાંડેને આઉટ કરતાં જ લખનઉનો મિની ધબડકો થયો હતો.સ્ટોઈનીસ ૦ અને કૃણાલ પંડયા ૧ રને આઉટ થયા હતા.હુડા ૧૦ રને પેવેલિયનમાં પાછો ફરતા લખનઉએ ૧૨૧ રનમાં પાંચમી વિકેટ ગુમાવી હતી.રાહુલ અને બાડોની (૧૧ બોલમાં ૧૪) વચ્ચે ૨૫ બોલમાં ૪૭ રનની ભાગીદારી કરી હતી.પોલાર્ડે ૮ રનમાં અને મેરેડિથે ૪૦ રનમાં ૨-૨ વિકેટ ઝડપી હતી.
રાહુલે સિઝનની બીજી સદી સાથે કોહલીની બરોબરી કરી
લખનઉના કેપ્ટન કેે.એલ.રાહુલે સિઝનની બીજી સદી ફટકારતાં કોહલીના રેકોર્ડની બરોબરી કરી લીધી હતી.યોગાનુંયોગ તેણે અગાઉ ૧૬મી એપ્રિલે પણ મુંબઈ સામેની મેચમાં અણનમ ૧૦૩ રન ફટકાર્યા હતા.જે પછી તેણે આજે પણ મુંબઈ સામેની જ અણનમ ૧૦૩ રન નોંધાવ્યા હતા.અગાઉ કોહલીએ વર્ષ ૨૦૧૬ની સિઝનમાં બે સદીઓ એક જ હરિફ ગુજરાત લાયન્સ સામે નોંધાવી હતી.