રાજ્યમાં દિવાળી પછી કોરોના વાયરસના કેસમાં વધારો થયો હોવાના કારણે રાજ્ય સરકાર દ્વારા 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લાગુ કર્યો છે.આ ઉપરાંત કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા માટે સરકાર દ્વારા લગ્નમાં 200 લોકોની છૂટછાટ આપવામાં આવી હતી તેમાં ઘટાડો કરીને 100 લોકોને મર્યાદા નક્કી કરવામાં આવી છે.જેથી લગ્ન પ્રસંગમાં 100 લોકો જ એકઠા થઇ શકે છે.ત્યારે લગ્નોત્સવમાં 100 લોકોને એકઠા થવાની મંજૂરી આપનાર ભાજપની સરકાર 25 ડિસેમ્બરના રોજ સુશાસન દિવસની ઉજવણી કરી રહી છે.આ ઉજવણીમાં સરકાર ગાંધીનગરમાં 1,000 અને અલગ-અલગ 248 જેટલા તાલુકાઓમાં 500-500 ખેડૂતોને ભેગા કરશે.
આ ઉપરાંત બીજી મહત્ત્વની વાત છે કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 25 ડિસેમ્બરના રોજ PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 9 કરોડ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 18,000 કરોડ રૂપિયાની રકમ જમા કરશે.આ ઉપરાંત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ ખેડૂતોને સંબોધન કરશે.લગ્નમાં 100 કરતાં વધુ લોકોને એકઠા કરી શકાતા નથી અને વધારે લોકોનો જમણવાર કરી શકાતો નથી પરંતુ ભાજપ 25મી ડિસેમ્બરના રોજ સુશાસન દિવસની ઉજવણી કરશે તેમાં 248 તાલુકાઓમાં 500-500 ખેડૂતોને એકઠા કરીને ખેડૂતોને ભોજન પણ કરાવશે.આ કાર્યક્રમ કરવા પાછળ સરકારને 9 કરોડ કરતા પણ વધારેનો ખર્ચ થવાનો એક અંદાજ છે.
આ કાર્યક્રમના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી મહાત્મા મંદિર ખાતે ઉપસ્થિત રહેશે અને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 248 તાલુકા મથકના કાર્યક્રમોમાં ગરીબ કલ્યાણ મેળાના 34,000 અને સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના હેઠળ લાભ લઇ રહેલા 1,32,000 આમ કુલ 1,66,000 લાભાર્થીઓને સંબોધન કરશે.
જો કે,એવી પણ માહિતી મળી રહી છે કે,મહાત્મા મંદિરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જે કાર્યક્રમ યોજાવાનો છે તેમાં 50 લાખ રૂપિયાનો ખર્ચો થશે.મહાત્મા મંદિર સરકારની માલિકીનું ઇવેન્ટ સેન્ટર છે અને તેમાં પહેલાથી તમામ સુવિધાઓ અને બેઠક વ્યવસ્થા માટેની સુવિધા છે છતાં પણ રાજ્ય સરકારે વધારે વ્યવસ્થા માટે 30 લાખ સહિત કુલ 50 લાખના ખર્ચને મંજુરી આપી છે. તેની વિગતની વાત કરવામાં આવે તો CMના કાર્યક્રમમાં સ્ટેજ અને બેઠક વ્યવસ્થા માટે અંદાજિત 30 લાખનો ખર્ચ થશે,સાઉન્ડ અને LED સ્ક્રીન માટે 14 લાખનો ખર્ચ થશે, ખેડૂતોને લાવવા માટેના 2 લાખનો ખર્ચ થશે,આ ઉપરાંત ખેડૂતોને ચા-નાસ્તો અને ભોજન કરાવવા માટે 2 લાખનો ખર્ચો થશે, બેકડ્રોપ, એંકરીગ સહિત અન્ય ખર્ચાઓ માટે 2.75 લાખનો ખર્ચો થશે.
આ ઉપરાંત 248 તાલુકાઓમાં મંડપ ભોજન અને ખેડૂતોને લાવવા લઈ જવા માટે 1.25 લાખનો ખર્ચો,બેકડ્રોપ,સ્ટેન્ડિંગ,હોલ્ડિંગની પાછળ 50,000નો ખર્ચો,ઈવેન્ટ મેનેજમેન્ટ અને લાઈવ ટેલીકાસ્ટ માટે 1.50 લાખનો અંદાજીત ખર્ચ થશે.