ગાંધીનગર, તા.21 : કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્યતંત્રની સજ્જતાની જાત માહિતી મેળવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે દાહોદ પહોંચ્યા હતા.તેમણે અહીં જિલ્લા વહીવટી તંત્ર સાથે વિસ્તૃત ચર્ચા કરી આગામી સપ્તાહમાં 300 પથારીની સુવિધા ઉભી કરવાની જાહેરાત કરી છે.દાહોદમાં ઝાયડસ હોસ્પિટલ ખાતે 200 પથારી અને જિલ્લામાં 100 વધારાની પથારી તમામ સુવિધા સાથે દર્દીઓ માટે વધારવામાં આવશે.એટલે,દાહોદમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે વધારાની 300 પથારી આગામી એક સપ્તાહમાં વધી જશે.
મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં આગામી તા. 25, 26 અને 27ના રોજ મોટા પ્રમાણમાં લગ્નગાળો છે.તેમાં કોવિડની એસઓપી નું પાલન થાય તે જોવાની જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનને જવાબદારી સોંપવામાં આવી છે.જો લગ્નમાં નિયત કરતા વધુ ભીડ જોવા મળશે,તો જવાબદાર પોલીસ અધિકારી સામે પણ પગલાં લેવામાં આવશે.
રૂપાણીએ કહ્યું કે, દાહોદ જિલ્લામાં જે વિસ્તારોમાંથી વધુ કોરોનાના કેસો મળી આવે છે,ત્યાં ટેસ્ટ,ટ્રેસિંગ અને આઇસોલેટ કાર્યમંત્રને આધારે લોકસહકારથી ઘનિષ્ઠ આરોગ્ય ચકાસણીની ઝુંબેશ હાથ ધરવામાં આવશે.દર્દીઓને આરોગ્યલક્ષી દવાઓની કિટ્સ પણ આપવામાં આવશે.ક્ધટેન્મેન્ટ ઝોનના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટેની સ્થાનિક પ્રશાસનને સૂચના આપવામાં આવી છે.
મુખ્યમંત્રી રૂપાણીએ એમ પણ જણાવ્યું કે દાહોદના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસો વધુ પ્રમાણમાં જોવા મળે છે.તેથી,ગ્રામ્યકક્ષાએ સેવા આપતા તબીબો પણ કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરે તેવી કાર્યવાહી કરવા માટે તંત્રને સૂચના આપવામાં આવી છે.બીજી તરફ નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ના નીકળવા અને સમયસર વેક્સીન લઇ લેવા અપીલ પણ કરી હતી.તેમણે જનપ્રતિનિધિઓને પણ લોકઆરોગ્યની સુરક્ષાના અભિયાનમાં જોડાવા માટે જણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ડોર ટુ ડોર સર્વેલન્સ વધારીને કોવિડના દર્દીઓને સમયસર ટ્રેસ કરી લેવા આરોગ્ય વિભાગને સૂચના આપી હતી.આ ઉપરાંત દાહોદ જિલ્લાની જરૂરિયાત આરોગ્યલક્ષી સાધન સુવિધા પૂરી પાડવામાં આવશે,તેમ પણ કહ્યું હતું.આ બેઠકમાં તેમણે ઝાયડસ હોસ્પિટલમાં સિટી સ્કેન તત્કાલ શરૂ કરવા પણ કહ્યું હતું.મુખ્યમંત્રી રૂપાણીએ બેઠકમાં જિલ્લાની કોવિડ પરિસ્થિતિ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે વિગતે સમીક્ષા કરી હતી.મુખ્યમંત્રીને જિલ્લામાં ડેડીકેટેડ હોસ્પિટલ,બેડસની ઉપલબ્ધતા,રેમડેસિવિર ઇન્જેક્શન,એન્ટીજન ટેસ્ટ કીટ,લોજીસ્ટીક્સ સહિતની તમામ બાબતો અંગે તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી.