મુંબઈ : દેશની અનેકવિદ ભાષાઓ અને વિવિધ ભાવના ગીતોને કંઠ આપી લતા મંગેશકરે સંગીતના સ્વરનું શું સામર્થ્ય છે તેનો પરચો આપી દીધો હતો પોતાના સ્વરથી દેશને એકસૂત્રે બાંધવાનું કાર્ય સ્વર-સામ્રાજ્ઞાીએ કર્યું હતું એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુંબઈના ષણ્મુખાનંદ સભાગૃહમાં જણાવ્યું હતું.વડાપ્રધાને માસ્ટર દિનાનાથ મંગેશકર પ્રતિષ્ઠાન તરફથી તેમને એનાયત કરાયેલો લતા દિનાનાથ મંગેશકર પુરસ્કાર સ્વીકારી તે દેશને સમર્પિત કરી દીધો હતો.મંગેશકર પરિવાર તરફથી લતા મંગેશકરના નિધન પછી તેમની સ્મૃતિમાં સર્મ પ્રથમ લતા દિનાનાથ મંગેશકર એવોર્ડ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એનાયત કરવામાં આવ્યો હતો.મુંબઇના ષણમુખાનંદ હોલમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આ એવોર્ડ વડા પ્રધાને ભારતની જનતાને સમર્પિત કરતા કહ્યું હતું કે લતા મંગેશકરનું સ્થાન સહુના હૃદયમાં છે એટલે તેમના નામનો આ પુરસ્કાર હું દેશવાસીઓને અર્પણ કરૂં છું.
વડા પ્રધાને લતા દીદીને મોટી બહેન ગણાવી આદરપૂર્વક જણાવ્યું હતું કે એમની એગક વાત કાયમ યાદ રાખવા જેવી છે કે મનુષ્ય પોતાની ઉંમરથી નહીં પણ કાર્યથી મોટો હોય છે.જો કે લતાદીદી ઊંમરથી અને કાર્યથી મુઠ્ઠી ઉંચેરા હતા.પોતાના દિવ્ય કંઠથી એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પના તેમણે મૂર્તિમંત કરી હતી.ચાલીસ વર્ષ પહેલાં મરાઠી સંગીતકાર સુધીર ફડકેએ પહેલી વાર લતાજીનો પરિચય કરાવ્યો હતો.ત્યારથી લઈને છેવટ સુધી ગાઢ નાતો જળવાયો હતો.આ વખતે રક્ષાબંધને મને દીદીની ગેરહાજરી બહુ સાલશે.વડાપ્રધાન મુંબઇની ટૂંકી મુલાકાતે ખાસ આ સમારંભ માટે જ આવ્યા હતા.સભાખંડમાં મુંબઇના પ્રતિષ્ઠિત નાગરિકો અને સંગીત જગત સાથે સંકળાયેલા મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
શિવસેના વતી માત્ર એક મંત્રી હાજર
અગાઉ એવી અટકળ થતી હતી કે દિનાનાથ મંગેશકર એવોર્ડ વિતરણ સમારંભમાં વડાપ્રદાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરે અને મહારા,્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરે એક મંચ પર જોવા મળશે.પરંતુ મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરે કાર્યક્રમમાં આવ્યા જ નહોતા.આમંત્રણ-પત્રિકામાં તેમનું નામ છપાયું ન હોવાને કારણે નારાજ થઈને ફંકશનથી દૂર રહ્યા હોવાની અટકળોે થવા માંડી હતી.એટલે ષણ્મુખાનંદ હોલના કાર્યક્રમમાં શિવસેના વતી કેબિનેટ પ્રધાન સુભાષ દેસાઈ હાજર રહ્યા હતા.બાકી તો આગલી હરોળમાં ભારતીય જનતા પક્ષના દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય નેતાઓ જોવા મળ્યા હતા.
હૃદયનાથ મંગેશકર નાદુરસ્ત તબિયતને કારણે ગેરહાજર
લતા મંગેશકરના નાના ભાઈ અને સંગીતકાર હૃદયનાથ મંગે શકર નાદુરસ્ત તબિયતને કારણે કાર્યક્રમમાં હાજર નહોતા રહી શક્યા.હૃદયનાથ અત્યારે હોસ્પિટલમાં હોવાથી કાર્યક્રમનું સૂત્ર સંચાલન તેમના પુત્ર આદિનાથ મંગેશકરે સંભાળ્યું હતું.
આશા ભોંસલેએ મોદીને ગુજરાતીમાં સંબોધન કર્યું
આશા ભોંસલેે આભારવિદીની શરૂઆત ગુજરાતીમાં કરી વડા પ્રધાનને મારા વ્હાલા ભાઈ નરેન્દ્રભાઈ તરીકે સંબોધ્યા હતા.
આશા પારેખ અને જેકી શ્રોફનું પણ સન્માન
આજના સમારોહમાં હિન્દી ફિલ્મ-જગતમાં ટોચનું સ્થાન મેળવનારા ગુજરાતી ભાષી અભિનેત્રી આશા પારેખ અને ગુજરાતી પરિવારમાં જન્મી હિન્દી ફિલ્મોમાં ડંકો વગાડી ચૂકેલા જેકી શ્રોફને વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.આમ દિનાનાથ મંગેશકર પરિવાર તરફથી આજે ત્રણ ગુજરાતીનું સન્માન કરવામાં આવ્યું હતું.
મંગેશકર પરિવારે 12 કરોડ મરાઠીઓનું અપમાન કર્યું : આવ્હાડ
દિનાનાથ મંગેશકર એવોર્ડ વિતરણ સમારંભણની આમંત્રણપત્રિકામાં મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેનું નામ આપવાનું ટાળીને મંગેશકર પરિવારે ૧૨ કરોડ મરાઠીઓનું અપમાન કર્યું છે એમ મહારાષ્ટ્રના ગૃહનિર્માણ પ્રધાન જીતેન્દ્ર આવ્હાડે ટ્વિટ કરીને જણાવ્યું હતું.


