નવી દિલ્હી : તા.30 મે 2022, સોમવાર : ભારતમાં વધુ પડતા હુમલા માટે જવાબદાર ગણાતા પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદએ અફઘાનિસ્તાનમાં પણ અડ્ડો જમાવ્યો છે.આ બે આતંકવાદી સંગઠનો તાલિબાનના કબજા હેઠળના અફઘાનિસ્તાનમાં માત્ર અનેક તાલીમ શિબિરો ચલાવે છે એટલું જ નહીં તેઓ સત્તાધારી તાલિબાન સાથે પણ ગાઢ સંબંધો ધરાવે છે.સંયુક્ત રાષ્ટ્રની અફઘાનિસ્તાન પર તાજી રિપોર્ટમાં આ ખુલાસો કરતા જણાવ્યું કે,પાકિસ્તાનના ઈશારે આતંકવાદ ફેલાવનારા લશ્કર અને જૈશના નેતાઓની તાલિબાનના ટોચના નેતાઓ સાથે પણ મુલાકાત થતી હોય છે.
યૂએનની રિપોર્ટમાં સદસ્ય દેશના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે, જૈશ-એ-મોહમ્મદ અફઘાનિસ્તાનના નંગરહારમાં 8 ટ્રેનિંગ કેમ્પ ચલાવે છે. તેમાંથી ત્રણ તો સીધા તાલિબાનના નિયંત્રણમાં છે.લશ્કરે કુનાર અને નંગરહારમાં ત્રણ કેમ્પ બનાવી રાખ્યા છે.તેમની તાલિબાન નેતાઓ સાથે સાંઠગાંઠનો ખુલાસો કરતા જણાવ્યું કે,આ વર્ષે જાન્યુઆરીમાં તાલિબાનના એક દળે નંગરહારના હસ્કા મેના જિલ્લામાં લશ્કરના એક ટ્રેનિંગ કેમ્પની મુલાકાત પણ કરી હતી.આ અગાઉ ઓક્ટોબર 2021માં લશ્કરના નેતા માવલવી અસદુલ્લાના તાલિબાનના ડેપ્યુટી આતંરિક મંત્રી નૂર જલીલ સાથે મુલાકાત થઈ હતી.જૈશ વૈચારિક રૂપે તાલિબાનની વધારે નજીક છે.મસૂદ અઝહરની આગેવાની વાળા આ સંગઠને કારી રમઝાનને અફઘાનિસ્તાનમાં નવો નેતા બનાવ્યો છે જ્યારે લશ્કરો નેતા ત્યાં માવલવી યૂસુફ છે.