સુરત : સુરતના ડિંડોલી પેવેલિયન પ્લાઝાની લિફ્ટમાં 16 વર્ષીય તરુણે 12 વર્ષની કિશોરીને બાહોમાં જકડી લેતા કિશોરીએ બહાર નીકળી ત્યાં જ ચા ની દુકાન ધરાવતા પિતા પાસે રડતા રડતા જઈ વાત કરતા તેમણે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા અને પેવેલિયન પ્લાઝામાં ગ્રાઉન્ડ ફ્લોર પર ચા ની દુકાન ધરાવતા યુવાનની ધો.8 માં અભ્યાસ કરતી 12 વર્ષીય પુત્રી આજે સવારે 10.30 વાગ્યે પેવેલિયન પ્લાઝાના જ ત્રીજા માળે કાલી માતાના મંદિરે દર્શન કરવા ગઈ હતી.11.30 વાગ્યે તે લિફ્ટમાં નીચે ઉતરતી હતી ત્યારે લિફ્ટમાં હાજર એક છોકરાએ તેને અચાનક બાહોમાં જકડી લીધી હતી.કિશોરીએ લિફ્ટનો દરવાજો ખોલવા પ્રયાસ કરતા છોકરાએ દરવાજો બંધ કરી ફરી તેને બાહોમાં જકડી લીધી હતી.જોકે,તે વખતે જોર લગાડી કિશોરી તેની બાંહોમાંથી મુક્ત થઈ લિફ્ટનો દરવાજો ખોલી નીચે ઉતરી પિતાની દુકાને પહોંચી હતી અને રડતા રડતા બનાવની જાણ કરતા તેના પિતાએ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 16 વર્ષના તરુણની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.