ઉધના બસ ડેપો પાસે આવેલી એક બેરીંગ કંપનીમાં ગુડ્સ લિફ્ટમાં સામાન બીજા માળે ચડાવતી વખતે માથુ લિફ્ટ અને પીલરની વચ્ચે આવી જતા મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. ઉધનાના રામ નગર ખાતે રહેતા પુજાબેન વિજયકુમાર ઈન્દોરવાલા(39) અને તેમનો પુત્ર ઉધના બસ ડેપો પાસે હરીઈચ્છા ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં આવેલી જય બેંરીગ કંપનીમાં નોકરી કરતા હતા.તેમના પતિને દારૂ પીવાની કુટેવ હતી અને તે કોઈ કામધંધો કરતો ન હોવાથી માતા-પુત્ર પરિવારના ગુજરાન માટે કંપનીમાં નોકરી કરતા હતા.શુક્રવારે બપોરે પુજાબેન કંપનીમાં ગુડ્સ લીફટ્માં સામાન બીજા માળે ચડાવવાની કામગીરી કરતા હતા.તેઓ ગ્રાઉન્ડ ફ્લોર પરથી લિફ્ટમાં સામાન ચડાવી પહેલા માળે પહોંચ્યા હતા.ત્યાં થોડો સામાન ઉતાર્યા બાદ બીજા માળે લિફ્ટ જતી હતી ત્યારે અકસ્માતે તેમનું માથુ લિફ્ટ અને પીલરની વચ્ચે આવી ગયું હતું.જેથી માથુ લિફ્ટમાં કચડાઈ જતા તેમનું ઘટના સ્થળે જ અરેરાટીભર્યુ મોત નિપજ્યું હતું.
પ્રથમ માળે બેરિંગના સામાનની અવરજવર દરમિયાન ઘટના બની
મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતમાં રહેતા મૃતક પૂજાબેન ઇન્ડોરવાળાને ત્રણ સંતાન એક 17 વર્ષનો પુત્ર,15 વર્ષની દીકરી અને 7-8 વર્ષનો દીકરો છે.પતિ બેકાર અને દારૂ પીવાની ટેવ ધરાવે છે.પૂજાબેન ઉધના વિસ્તારમાં આવેલા જય અંબે બેરિંગના સ્પેરપાર્ટ્સના ગોડાઉનમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા હતા.ગ્રાઉન્ડ ફ્લોરના ભાગેથી પ્રથમ માળે બેરિંગનો સામાનની અવરજવર દરમિયાન પૂજાબેન સામાન લઈ ઉપર પહેલા માળે ગયા બાદ પરત નહીં ફરતા શંકા ગઈ હતી.જોકે, પૂજાબેનનું ઇન્ડસ્ટ્રિયલ લિફ્ટમાં માથું આવી જતા મોત નીપજ્યું હતું.
દીકરાને માતા માથું કચડાય અને મૃત હાલતમાં મળી
માતા બીજા માળે સામાન લઈને લિફ્ટમાં ગયા પણ પરત ન ફરતા સાથે કામ કરતો દીકરો ઉપર ગયો હતો.દીકરાને માતાનું માથું કચડાય ગયેલી હાલતમાં અને મૃત હાલતમાં મળી આવતા બૂમાબૂમ કરી હતી.ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


