– વચગાળાના જામીન રદ કરવા માટે સેશનકોર્ટમાં અરજી આપી
બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરા પોલીસ સ્ટેશનના લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડિયાએ જેલમાંથી વચગાળાના જામીન ઉપર છૂટ્યા બાદ જેગુઆર કારમાં બેસી 10 થી વધુ ગાડીના કાફલા સાથે રેલી યોજવાની ઘટનામાં પોલીસની ઇજ્જતના ધજાગરા ઊડ્યાં બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક ઈશ્વર વાંસફોડિયાના જામીન રદ કરવા માટે સેશનકોર્ટમાં અરજી આપી હોવાનું જાણવા મળ્યું છે.
હાલમાં સુરત જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા છે.જિલ્લામાં બુટલેગરોને પોલીસનો ડર રહ્યો નથી માથાભારે ગેંગસ્ટર ક્રમ બુટલેગર ઈશ્વર વાંસફોડિયા પત્નીની પ્રસૂતિ માટે સાત દિવસના વચગાળાના જામીન ઉપર છૂટ્યો હતો. જેથી માથાભારે બુટલેગરે સાઉથ ફિલ્મની સ્ટાઈલમાં છેક લાજપોર જેલથી જેગુઆર ગાડીનું ટોપ ખોલી સાથે 10 થી વધુ કારના કાફલા સાથે રેલી કાઢી હતી.અંત્રોલી ભૂરી ફળિયા ખાતે આવેલ તેના ઘર પાસે ફટાકડા ફોડયા હતા એક સમયે આ કૃત્ય પરથી પોલીસની ઇજ્જતના ધજાગરા ઊડી ગયા હતા.જોકે ત્યારબાદ પોલીસ હરકતમાં આવી હતી. ઈશ્વર વાંસફોડિયા વિરુદ્ધ જિલ્લા કલેક્ટરના જાહેરનામા ભંગ અંગે ફરિયાદ નોંધી હતી. બીજી તરફ જિલ્લા એલસીબીની ટીમે ઈશ્વર વાંસફોડિયાની જામીન રદ કરવા માટે સેશનકોર્ટમાં અરજી કરી હોવાનું જાણવા મળે છે.