મુંબઈ : સંજય રાઉતે જેને ઈડીનાં ‘વસૂલી અધિકારી’ કહેલા તેવા મુંબઈના અગ્રણી વેપારી જીતેન્દ્ર નવલાની તેમની સામે લૂકઆઉટ સર્કયુલર (એલઓસી) ઈશ્યુ થાય તેના એક દિવસ પહેલાં જ વિદેશ ભાગી છૂટયા હોવાના હેવાલ છે.આ સંદર્ભે એક અધિકારીએ આજે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યુરોએ નવલાની સામે લૂકઆઉસ સર્કયુલર બહાર પાડયું છે.
ઈડીના નામે વિવિધ કંપનીઓ પાસેથી ૫૮.૯૬ કરોડ વસૂલવાનો આરોપ
એસીબીએ નવલાની અને અન્યો સામે કથિત રીતે ઈડીના અધિકારીઓના નિકટવર્તી બની વિવિધ લોકો કંપનીઓ પાસેથી ૫૮.૯૬ કરોડ રૃપિયા વસૂલ્યા હોવા પ્રકરણે ભ્રષ્ટાચાર કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો છે.આ ગુનો દાખલ થયા બાદ નવલાની ગુમ થઈ ગયા હતા.તેમની કોઈ ભાળ મળતી નહોતી.એસીબીએ મોકલેલા સમન્સ માટે પણ તેમના તરફથી કોઈ પ્રતિભાવ ન મળતા નવલાની સામે એલઓસી બહાર પાડવામાં આવ્યું હતું.
મે મહિનાની પાંચમી તારીખે નોંધાયેલ એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૧૫થી ૨૦૨૧ દરમ્યાન દક્ષિણ મુંબઈના કોલાબા- કોઝવેના રહેવાસી નવલાનીએ ૫૮.૯૬ કરોડ રૃપિયા વસૂલ્યા છે.આ પહેલાં એસીબીએ દાવો કર્યો હતો કે નવલાનીએ ઈડીના અધિકારીઓને નામે વિવિધ લોકો/ કંપનીઓ પાસેથી ‘કન્સ્લંટસી ફી’ને નામે આ રકમ પડાવી હતી. નવલાનીએ આ લોકોને તેમના સરકારી કામોમાં મદદરૃપ બની તેમના કામો કરી આપવાનું કથિતરૃપે વચન આપ્યું હતું.
આ પહેલાં માર્ચ મહિનામાં શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે એવો કથિત આરોપ કર્યો હતો કે નવલાનીએ ઈડીને નામે ઘણા ઉદ્યોગપતિ, વેપારી અને બિલ્ડરો પાસેથી કરોડો રૃપિયાની ખંડણી પડાવી હતી.એસીબીના સૂત્રો અને ક્રાઈમ બ્રાન્ચ કે જે નવલાની પ્રકરણે તપાસ ચલાવી રહી છે તેણે પણ નવલાની દેશ છોડી ભાગી ગયા હોવાની આસંકા વ્યક્ત કરી આ બાબતે વધુ તપાસ ચાલી રહી હોવાનું સ્પષ્ટ કર્યું છે. નવલાની તેમની સામે એલઓસી બહાર પડે તે પહેલાં પાંચ અથવા છ તારીખે જ લંડન ભાગી છૂટયા હોવાનું સૂત્રોનું કહેવું છે.
નવલાની વિદેશ ભાગી છૂટયા હોવાના ખબરો વચ્ચે શિવસેનાના સંજય રાઉતે માધ્યમોને આજે જણાવ્યું હતું કે નવલાની સામે એસીબીએ ગુનો નોંધ્યો હતો અને આર્થિક ગુના શાખા તેની તપાસ પણ કરી રહી હતી. હવે જો નવલાની વિદેશ ભાગી છૂટયો હોય તો અમુક ‘શક્તિશાળી લોકોેએ’ તેને દેશમાંથી ભાગી છૂટવા માટે મદદ કરી હશે.’