ચંદીગઢ : લેજેન્ડરી સ્પ્રિન્ટર મિલ્ખા સિંહને કોરોના થયા પછી તબિયત ફરી લથડતા 91 વર્ષે અવસાન થયું છે.ચંદીગઢની પીજીઆઈએમઈઆર હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા દોડવીરને તાવ આવ્યો હતો તેમજ તેમનું ઓક્સિજન સેચ્યુરેશન પણ ઘટી ગયું હતું. મિલ્ખા સિંહના પત્ની નિર્મલ કૌરનું કોરોના પછીની સારવાર બાદ તાજેતરમાં જ નિધન થયું હોવાથી પરિવાર હાલ શોકમાં છે.
91 વર્ષીય મિલ્ખા સિંહનો બુધવારે કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવાથી તેમને જનરલ આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.ડોક્ટોરની ટીમ તેમના સ્વાસ્થ્યની સતત દેખરેખ રાખી રહી હતી.ગુરુવારે અચાનક મિલ્ખા સિંહને તાવ આવ્યો હતો તેમજ તેમનું ઓક્સિજન સ્તર ઘટી ગયું હતું.ગત મહિને મિલ્ખા સિંહ અને તેમના પત્નીને હાઉસહેલ્પથી કોરોના સંક્રમણ લાગ્યું હતું અને બન્નેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેમના પત્ની નિર્મલ કૌરનું પાંચ દિવસ અગાઉ ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું.
મિલ્ખા સિંહે ભારત માટે એશિયન ગેમ્સમાં ચાર વખત ગોલ્ડ મેડલ જીત્યો છે જ્યારે 1958 કોમનવેલ્થ ગેમ્સમાં ચેમ્પિયન રહ્યા છે.તેમણે 1956 તેમજ 1964ના ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તેઓને 1959માં પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા.

