લૉકડાઉનને પરિણામે જ્યારે સમગ્ર ભારતમાં વ્યાપાર-ધંધા બંધ છે ત્યારે સ્વાભાવિક છે કે લૉકડાઉનની અસર આર્થિક પ્રવૃત્તિઓ ઉપર પડી છે અને તેને પરિણામે સરકારી તિજોરી પર પણ તેની અસર વર્તાઈ રહી છે.
લૉકડાઉન પૂર્વે અર્થતંત્રમાં મંદીનો માહોલ હોવા છતાં ફેબ્રુઆરી 2020માં જીએસટી કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાના લક્ષ્યાંકને પાર કરી ફેબ્રુઆરી મહિનામાં જીએસટી હેઠળ 1.05 લાખ કરોડ રૂપિયાની વસૂલી કરી હતી જે ગત વરસે આ જ મહિનાની વસૂલીની સરખામણીએ 8 ટકા વધુ હતી.
જોકે ચાલુ વરસે ફેબ્રુઆરીમાં વસ્તુ અને સેવા કર (જીએસટી) કલેક્શન ગયા મહિના એટલે કે જાન્યુઆરી 2020 મહિનાના 1.10 લાખ કરોડ કરતાં ઓછું હતું.નાણા મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું હતું કે ફેબ્રુઆરી 2020માં કુલ જીએસટી કલેક્શન 1,05,366 કરોડ રૂપિયા હતું, જેમાં સીજીએસટી 20,569 કરોડ રૂપિયા, એસજીએસટી 27,348 કરોડ રૂપિયા, આઈજીએસટી 48,503 અને સેસ 8947 કરોડ રૂપિયા હતો.અત્રે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિના માટે ફાઇલ કરેલા જીએસટીઆર 3-બી રિટર્નની સંખ્યા 29 ફેબ્યુઆરી સુધી 83 લાખ રહી હતી.


