અમદાવાદ : રિઝર્વ બેંક દેશની કથળતી આર્થિક સ્થિતિને લઇને ખૂબ જ ચિંતિત છે અને તાજેતરમાં જ યોજાયેલી આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં આ મુદ્દો ચર્ચાયો હતો.સમિતિએ થોડા દિવસ અગાઉ તેની બેઠક યોજી હતી અને વ્યાજ દરોમાં 40 બેઝિસ પોઇન્ટ અથવા 0.40 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.
આરબીઆઈએ શુક્રવારે તેની સમિતિની બેઠકની વિગતો જાહેર કરતાં જણાવ્યું છે કે દેશ વર્તમાન નાણાકીય વર્ષ 2020-21માં મંદી તરફ ધકેલાઈ રહ્યો છે અને આગામી દિવસોમાં વપરાશ અને ખાનગી રોકાણ બંનેમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે.6 સભ્યોની કમિટીમાં આરબીઆઈના ત્રણ સભ્યો છે જેમાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંતા દાસ ઉપરાંત ત્રણ સ્વતંત્ર સભ્યો છે.બેઠક દરમિયાન આરબીઆઇના ડેપ્યુટી ગર્વનર અને MPCના સભ્ય માઈકલ પાત્રએ જણાવ્યું હતું કે કોરોના મહામારી અને તેને રોકવા માટે કરવામાં આવેલ લોકડાઉનથી આર્થિક પ્રવુતિઓ પર ઘણો ગંભીર અને ઊંડો ફટકો લાગ્યો છે જેની સામાન્ય માણસના જીવનનિર્વાહ,આર્થિક સુરક્ષા,આરોગ્ય અને વિશ્વાસ પર ઘણી ઊંડી અસરો જોવાઈ છે.આ અસર જીડીપી અને અન્ય મેક્રો ઇકોનોમિક સંકેતકોના અનુમાનથી ઘણું વધારે છે.
ભારતનું સંભવિત ઉત્પાદન નીચે આવી ગયું છે અને તેમાં સુધારો થતા ઘણા વર્ષો લાગી જશે. પાત્રાએ વધુમાં કહ્યું હતું કે ગ્રોથની સામે જે પડકાર છે તેનો આગળ આવીને આક્રમકતા સાથે સામનો કરવો પડશે નહીં તો વધુ ખરાબ પરિણામ આવી શકે છે.MPCએ પોતાના નિવેદનમાં 2020-21 માટેના વિકાસદરમાં કોઈ અનુમાન લગાવ્યું નથી.ફક્ત આરબીઆઈ ગર્વનરે કહ્યું હતું કે 2020-21માં ભારતના વિકાસદરમાં ઘટાડો થવાની સંભાવના છે.
કમિટીના સભ્ય અને IIM-Aના પૂર્વ પ્રમુખ રવિન્દ્ર એચ ધોળકિયાએ એવા ક્ષેત્રની રૂપરેખા આપી હતી કે જેનો ભારતીય અર્થતંત્રમાં મોટો હિસ્સો છે અને કોરોના વૈશ્વિક સંકટમાં સૌથી વધુ અસરગ્રસ્ત છે.તેમનું કહેવું છે કે પરિસ્થિતિ એવી છે કે 40 વર્ષમાં પહેલીવાર દેશની અર્થવ્યવસ્થા માઇનસમાં જઈ શકે છે.તેમણે કહ્યું કે જીડીપી વૃદ્ધિ નેગેટિવ ઝોનમાં જઈ શકે છે.બધા સંકેતો મંદી તરફ ઇશારો કરી રહ્યા છે,વપરાશ ઘટશે,ખરી વૃદ્ધિ નકારાત્મક થશે અને બેરોજગારીનો દર ઉચ્ચ સ્તરે પહોંચશે.


