નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારીને લીધે દેશવ્યાપી લોકડાઉન દરમિયાન આજેથી દિલ્હી,ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં સ્થાનિક સરકાર દ્વારા અપાયેલી છુટછાટ અનુસાર વેપાર-ધંધા અને દુકાનો ખુલી હતી પરંતુ કોઇ ખાસ કામકાજ થયા ન હતા.વેપારી સંગઠનોનું કહેવુ છે કે 55 દિવસના લોકડાઉન બાદ આજે ખુલેલા બજારોમાં વેપારીઓએ દુકાનો તો ખોલી અને દુકાનોની સાફ-સફાઇ કરી હતી પરંતુ મોટાભાગની દુકાનો-ઓફિસોમાં કર્મચારીઓની સંખ્યા અત્યંત ઓછી હતી.જેનું કારણ મોટી સંખ્યામાં પરપ્રાંતી શ્રમિકો-મજૂરોનું પોતાના વતન તરફ પલાય છે.એક અંદાજ મુજબ દિલ્હીમાં કામ કરનાર- મજૂરી કરનાર લગભગ 70 ટકાથી વધારે લોકો પોતાના વતન પરત જતા રહ્યા છે અને બજારોમાં કામગીરી કરતા લારીવાળા,મજૂરો અને રોજિંદુ વેતન મેળવતા મોટાભાગના લોકો પલાયન કરી ગયા છે.
4.5 કરોડ દુકાનો ખુલી
આવી પરિસ્થિતિ વચ્ચે ફણ વેપારીઓએ પોતાની દુકાનોને સેનેટાઇઝ્ડ કરવાની કામગીરી શરૂ કરી છે.કેન્દ્ર અને રાજ્ય સરકારના દિશાનિર્દેશો મુજબ વેપારીઓએ માસ્ક અને હેન્ડ ગ્લોવ્ઝ પહેરવા અને સોશિયલ ડિસ્ટન્ટ્સના નિયમોનુ કડક કરવાનું શરૂ કર્યુ છે.દેશભરના વિવિધ રાજ્યોમાં આજે લગભગ 4.5 કરોડ દુકાનો ખુલી હતી. ગુજરાત સહિત દિલ્હીમાં પણ ઓડ-ઇવન સિસ્ટમ મુજબ દુકાનો ખુલશે.
મોટાભાગની દુકાનો થઇ સાફ-સફાઇ
કન્ફેરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ ખંડેલવાલે કહ્યુ કે,વિતેલા 55 દિવસમાં લોકડાઉનના કારણે દુકાનો સંપૂર્ણ બંધ રહેતા ધૂળ-માટી જમા થઇ ગઇ હતી.આજે દુકાનો ખુલવાની સાથે જ વેપારીઓએ સૌથી પ્રથમ સાફ-સફાઇ હાથ ધરી હતી.કાપડ-ગાર્મેન્ટ્સની દુકાનોમાં ઉંદરોએ મોટુ નુકસાન કર્યુ હોવાની ઘટના સામે આવી છે.