નવી દિલ્હી,26 માર્ચ 2020 ગુરૂવાર
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)તથા અન્ય અગ્રણી સરકારી બેંકો (PSB’s)હવે એ બાબત પર વિચારણા કરી રહી છે કે ભારતમાં લોકડાઉનની આ સ્થિતિમાં મોટાભાગની શાખાઓમાં કોરોનાવાયરસ ચેપના જોખમથી તેમના કર્મચારીઓને બચાવવા માટે બંધ કરવામાં આવે.
ન્યૂઝ એજન્સી રોઈટર્સે તેના 4 સ્ત્રોતોને ટાંકીને આ માહિતી આપી છે. 1.3 અબજની વસ્તીવાળા ભારતમાં હજી પણ મોટાભાગના લોકો રોકડના આધારે રોજિંદા કામ ચલાવે છે.
ગ્રામીણ વિસ્તારોને પ્રાથમિક્તા
ગ્રામીણ વિસ્તારોમાં, બેંક શાખાઓ 1 દિવસના અંતરે ખુલશે, જ્યાં સ્ટાફ લોકોને કલ્યાણ યોજનાઓ હેઠળ મળનારી રકમ ઉપાડી લેવામાં મદદ કરશે.અત્રે ઉલ્લેખનિય છે કે લગભગ 70 ટકા લોકો ગામડામાં રહે છે અને તેઓ રોકડ પર વધુ નિર્ભર છે.
સરકારી બેંકના એક વરિષ્ઠ અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, ‘સામાન્ય વિચાર એ છે કે ગ્રામીણ વિસ્તારોમાં બેંકની શાખાઓનું સંચાલન ખુલ્લું રાખવામાં આવે, જેથી જેઓ ડિજિટલ ટ્રાંઝેક્શન કરી શકતા નથી, તેઓને કોઈ તકલીફ ન પડે. ‘
અનૌપચારિક રીતે, આ કિસ્સામાં બધી બેન્કો એક બીજા સાથે વાટાઘાટો કરી રહી છે. ખરેખર, હવે સરકારના બેંક ટ્રાન્સફર દ્વારા રાહત આપવાના નિર્ણય પછી, આ ક્ષેત્રોમાં બેંક ઉપાડ વધી શકે છે.
લોકડાઉનમાં પણ બેંકો ખુલી છે
આ જ કારણ હતું કે 21 દિવસના લોકડાઉનના નિર્ણયમાં બેંકોને આમાંથી મુક્તિ આપવામાં આવી નથી . બેંક સેવાઓને આવશ્યક ગણાવતા તેઓને ખુલ્લી રાખવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે સરકારે બેંકોમાં બિન-આવશ્યક સેવાઓને અસ્થાયી ધોરણે બંધ કરીને કર્મચારીઓની સંખ્યા ઓછી રાખવા જણાવ્યું હતું.