મુંબઇ તા. ૧૨ : લોકડાઉને દરેક ધંધાની કમર તોડી નાખી છે.અર્થવ્યવસ્થાને ફરીથી પાટે ચડાવવા માટે સરકાર અમુક શરતો સાથે ધંધો ચાલુ કરાવ્યો તો ધંધાર્થીઓની મુશ્કેલીઓનો પટારો ખુલવા લાગ્યો છે.લોકડાઉનના કારણે વેપારીઓનો લાખો કરોડનો માલ ફસાઇ ગયો હતો.જેમાંથી ઘણો માલ ખરાબ થઇ ગયો અને કેટલાક માલની સીઝન જ પુરી થઇ ગઇ છે.આના લીધે ધંધાર્થીઓમાં વિવાદ ઉભો થયો છે.જેને સુલઝાવવાની કોશિષમાં વેપારી સંગઠનો લાગી ગયા છે.
મુંબઇના દાદર,કાલબાદેવી,કોલાબા,ગોરેગાંવ,ઠાણે અને ભિવંડીના સેંકડો ધંધાર્થીઓ રોજ હજારો કરોડનો માલ દેશભરમાં મોકલે છે.એ જ રીતે ઢગલાબંધ ઉત્પાદનો બાકીના રાજ્યોમાંથી અહીં આવે છે.વિવાદનું મૂળ એ છે કે ધંધાર્થીઓએ માલ મોકલી દીધો હતો જે લોકડાઉનના કારણે વેપારીઓને મળ્યો નહોતો.જે માલ પહોંચ્યો તે પણ બજાર અને દુકાનો બંધ હોવાની જેમનો તેમ પડી રહ્યો.માલ મોકલનાર ધંધાર્થીઓનું કહેવું છે કે માલ સમયસર મોકલી આપ્યો હતો એટલે વેપારીઓએ પૈસા ચૂકવવા પડશે,પણ વેપારીઓની દલીલએ છે કે માલ મળ્યો જ નથી અને સીઝન પણ પુરી થઇ ગઇ છે તો પૈસા શું કામ ચૂકવીએ.
તહેવારની સીઝનની તૈયારીઓ જાન્યુઆરીથી શરૂ થઇ જતી હોય છે,એટલે ઘણા ધંધાર્થીઓ ૧૦ લાખ કરોડનો માલ ફસાયો હોવાની વાત કરે છે.આટલી મોટી કિંમતના ઉત્પાદનો ફસાવાના કારણે વેપારઓ વાત કરે છે.આટલી મોટી કિંમતના ઉત્પાદનો ફસાવાના કારણે વેપારીઓમાં વિવાદ ઉભો થવાનું નક્કી છે.ઇન્ડીયન મર્ચન્ટ ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ આશીષ વૈદ્ય કહ્યું કે સંકટના સમયે વિવાદ તો થવાનો જ પણ કંપનીઓને આપસમાં સુલેહ – સમજૂતિ કરવાનો અનુરોધ કરાઇ રહ્યો છે.ભારત મર્ચન્ટ ચેમ્બરના અધ્યક્ષ વિજય લોહિયાએ કહ્યું કે લોકડાઉનમાં થયેલા નુકસાનના વિવાદમાં માલ મોકલનાર અને ખરીદનાર બંને પોતાની જગ્યાએ સાચા છે.એટલે કાયદાકીય લડાઇથી બચવાના પ્રયત્નો કરવામાં આવશે.ફરિયાદોના ઢગલાથી બચવા ચેમ્બર બંને પક્ષોને સામ સામે બેસાડીને સુલેહ કરાવશે.
જથ્થાબંધ રેડીમેડ કપડાના વેપારીઓ કહે છે કે લોકડાઉન પહેલા કોલકત્તા – કાનપુર – બેંગ્લોરના ડઝન બંધ વેપારીઓને માલ મોકલી દીધો હતો.તેઓ કપડા વેચી શક્યા નથી હવે પૈસા ફસાઇ ગયા છે.વેપારી ફોન પણ નથી ઉપાડતા મુંબઇના કપડાના વેપારીઓના જ ૫૦૦ કરોડ ફસાયા છે.
વેપારમાં ઉધાર અને એડવાન્સ બંને ચાલતા હોય છે જેનાથી વેપારીઓની મુશ્કેલી વધી છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે એકસેસરીઝ બનાવનારાના ૧૦૦ કરોડ , મોબાઇલ અને ઇલેકટ્રોનિકસ વેપારીઓના ૫૦૦૦ કરોડ,ચામડાના વેપારીઓના ૧૦૦૦ કરોડનો માલ ફસાયો છે.ખાદ્ય – પીણાના વેપારીઓના પણ ૧૦૦ કરોડ ફસાયા છે.રત્ન – આભૂષણ ઉદ્યોગના ૧૦,૦૦૦ કરોડ ફસાયાનું કહેવાય છે. સાચા આંકડા હવે આવશે.


