નવી દિલ્હી, તા. ૧પ : ભારતીય ઉદ્યોગ જગતે ગઇકાલે કહ્યું કે મનુષ્યના જીવન પર વધતા સંકટને રોકવા માટે દેશવ્યાપી લોકડાઉન લંબાવવું જરૂરી હતું,પણ તે સાથે જ અર્થવ્યવસ્થામાં ઉત્પન્ન થયેલ ગંભીર પરિસ્થિતિમાંથી ઉદ્યોગોને ઉગારવા માટે પ્રોત્સાહન પેકેજની જરૂરીયાત પર ભાર મૂકવાની પણ જરૂર છે.ફિક્કીએ કહ્યું કે એવો અંદાજ છે કે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના લીધે રોજનું લગભગ ૪૦ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે અને છેલ્લા ર૧ દિવસ દરમ્યાન ૭.૮ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયાનો અંદાજે છે.એપ્રિલથી સપ્ટેમ્બર ર૦ર૦ દરમ્યાન ૪ કરોડ નોકરીઓ જોખમમાં રહેશે. એટલે તાત્કાલીક રાહત પેકેજ આપવું મહત્વપૂર્ણ છે.
સીઆઇઆઇના મેનેજીંગ ડાયરેકટર ચંદ્રજીત બેનર્જીએ કહ્યું કે વડાપ્રધાને ર૦ એપ્રિલ પછી છૂટછાટ આપવાની વાત કરી છે.જેનાથી ઉદ્યોગોને રાહત મળવાની આશા છે.નેસકોમે કહ્યું કે સંક્રમણ ન હોય તેવા વિસ્તારોમાં પ્રતિબંધોમાં છૂટ આપવાના પ્રસ્તાવથી તે ખુશ છે.