-ગલીઓમાં કાળાબજારીઓની બેફામ લૂંટ
શહેરમાં કોરોના વાઈરસને પગલે લોકડાઉન કરાતા દારૂ,પાન,બીડી અને મસાલાના ભાવ આસમાને પહોંચ્યા છે.કાળાબજારીયાઓ દારૂની બોટલ ૧૮૦૦ના ભાવે તથા પાન,બીડી,સિગારેટ ડબલથી પણ વધુ ભાવે વેચી રહ્યા છે.બજારો બંધ હોવાથી જેમની પાસે અગાઉનો માલ પડ્યો છે તે હવે ઉંચા ભાવે વેચી રોકડી કરી રહ્યા છે.વાહનોમાં દારૂ લઈને જતા અનેક લોકો પોલીસને હાથ ઝડપાવા લાગ્યા છે.કોરોના વાઈરસના ફેલાવાને પગલે લોકડાઉન જાહેર થતા વ્યસનીઓ મોં માંગ્યા દામ આપી દારૂથી લઈને સિગારેટ જેવી વસ્તુઓ ખરીદવા યેનકેન પ્રકારે પ્રયાસો કરી રહ્યા છે.લોકડાઉનમાં પાનના ગલ્લાઓ બંધ હોવાથી વ્યસનીઓ તેમના ઓળખીતા પાનાવાળાઓનો ફોન પર સંપર્ક કરી ડબલ ભાવે પણ આ વસ્તુઓની માંગણી કરી રહ્યા છે. જોકે લોકડાઉનમાં પોલીસની સતત હાજરી વચ્ચે પાનવાળા પણ માલ કેવી રીતે પહોંચાડવો તેની દ્વિધામાં છે.જેને પગલે કેટલાક વિસ્તારોમાં કેટલાક કાળાબજારીઓ સંઘરી રાખેલી વસ્તુઓ ડબલ ભાવે વેચી રહ્યા છે.કેટલાક પાનની દુકાનવાળા પોતાના ઓળખીતાઓે પાસેથી થોડા વધારે પૈસા લઈને આ વસ્તુઓ આપતા હોય છે.આ ઓળખીતાઓ બાદમાં ડબલ અને જેવો દ્યરાક એવો ભાવ ગણીને પાન,બીડી, સિગારેટ વેચી રહ્યા છે.તે સિવાય પોલીસના રડારમાં ન આવી જવાય તે માટે આ શખ્સો ગલીગુંચીમાં આ વસ્તુઓ વેચી રહ્યા છે.જયાં ન પહોંચે રવી ત્યાં પહોંચે કવિની જેમ વ્યસનીઓ પણ તેમને ગમે તેમ કરીને શોધી લે છે,અને માંગ્યા ભાવ આપીને વસ્તુ ખરીદી જંગ જીત્યાનો આનંદ માણે છે. કેટલાક કાળાબજારીયાઓ મોટા માર્કેટ સવારે ખુલે ત્યારે ગમે તેમ કરીને જથ્થાબંધ ભાવે આ વસ્તુઓ ખરીદી લે છે અને ચુપચાપ ગલીઓમાં વેચતા હોય છે.જયારે ધીમે ધીમે વ્યસનીઓને ખબર પડે કે કઈ વસ્તુ કયાં મળે છે,ત્યારે કાળાબજારીયા પાસે ભીડ જમા થવા લાગે છે.જેને કારણે પોલીસને હાથે પકડાઈ ન જવાય તે માટે તે એકાદ બે વ્યકિતને જ વસ્તુ લેવા આવવા અને ચુપચાપ ચાલ્યા જવા સૂચના આપે છે.વ્યવસ્થિત ચાલતા આ નેટવર્કમાં ગણ્યા ગાંઠયા લોકો જ ઝડપાયા છે.