– છેલ્લા એક દાયકાનો સૌથી મોટો ઘટાડો :બીજા કવાર્ટરમાં હજુ વધારે ઘટાડો થવાની શકયતા
નવી દિલ્હી : કોરોનાને અંકુશમાં રાખવા માટે લદાયેલ લોકડાઉનને કારણે અમેરિકામાં ચાલુ વર્ષના પ્રથમ કવાર્ટરમાં અમેરિકાનો જીડીપી ઘટીને માઇનસ 4.8 ટકા થઇ ગયો છે.અમેરિકાના જીડીપીમાં થયેલા આ ઘટાડો એ છેલ્લા એક દાયકાનો સૌથી મોટો ઘટાડો છે.આર્થિક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષના બીજા કવાર્ટરમાં અમેરિકાના અર્થતંત્રમાં આનાથી પણ વધારે ઘટાડો થવાની સંભાવના છે.અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2019ના ચોથા ક્વાર્ટરમાં અમેરિકાનો જીડીપી 2.1 ટકા રહ્યો હતો.નિષ્ણાતોએ પ્રથમ કવાર્ટરમાં જીડીપી માઇનસ 3.8 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.એપ્રિલ મહિનો સંપૂર્ણપણે લોકડાઉનમાં પસાર થયો હોવાથી બીજા કવાર્ટરમાં અમેરિકાના જીડીપીમાં આનાથી પણ વધારે ઘટાડો થવાની સંભાવના છે.ઉલ્લેખનીય છે કે આ અગાઉ વર્ષ 2014ના પ્રથમ કવાર્ટરમાં અમેરિકાનો જીડીપી માઇનસ 1.1 ટકા રહ્યો હતો.વર્ષ 2008ની આર્થિક કટોકટીના સમયમાં અમેરિકાનો જીડીપી માઇનસ 8.4 ટકા રહ્યો હતો.